
જ્યારથી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, ત્યારથી તેનું નામ દરેકના હોઠ પર છે. કોહલીનો આ નિર્ણય કોઈપણ સરળતાથી નથી સ્વીકારી રહ્યું કારણ કે તેને આ ફોર્મેટ સૌથી વધુ ગમતું અને તેણે તેનો સૌથી વધુ પ્રચાર પણ કર્યો હતો. આવી સ્થિતિમાં, કોહલીના નિર્ણય પર સતત ચર્ચા ચાલી રહી છે અને આ ફોર્મેટમાં તેના યોગદાનની માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે, હવે એક ભારતના વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ કોહલીને ભારત રત્ન આપવાની મોટી માંગ કરી છે.
2011ના વર્લ્ડ કપ વિજેતા અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈનાએ માંગ કરી છે કે વિરાટ કોહલીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવે. રૈનાએ IPL 2025માં 17 મે, શનિવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ દરમિયાન આ માંગ કરી હતી. IPLમાં બેંગલુરુની હરીફ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી ચૂકેલા ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેને એક ચર્ચા દરમિયાન આ માંગ કરી હતી. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, રૈનાએ તેને સન્માનિત કરવા માટે આ સૂચન આપ્યું છે.
ભારતીય ક્રિકેટમાં યોગદાન બદલ સન્માનિત
વિરાટે 12 મેના રોજ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આશ્ચર્યજનક વાત એ હતી કે કોહલીએ IPL 2025 દરમિયાન એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી, જ્યારે બધાને અપેક્ષા હતી કે તેને મેદાનની વચ્ચે જ વિદાય મળશે. પણ અચાનક જાહેરાત કરીને તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આવી સ્થિતિમાં, જ્યારે વરસાદને કારણે RCB અને KKR વચ્ચે વરસાદના કારણે મેચ અટકેલી હતી, ત્યારે શો દરમિયાન રૈનાએ વિરાટને ભારત રત્ન આપવાની માંગ કરી હતી.
કોહલીના ટેસ્ટ વારસાની ચર્ચા કરતી વખતે, ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન રૈનાએ કહ્યું, "વિરાટ કોહલીએ જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, ભારત અને ભારતીય ક્રિકેટ માટે તેણે જે કંઈ કર્યું છે, તેના માટે તેને ભારત રત્નથી નવાજવો જોઈએ. ભારત સરકારે તેને ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ."
સરકારે સચિન માટે નિયમો બદલી નાખ્યા હતા
ભારતીય રમતગમતના ઈતિહાસમાં અત્યાર સુધી ફક્ત એક જ ખેલાડીને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે. તે સચિન તેંડુલકર છે. ફેબ્રુઆરી 2014માં, તત્કાલીન કેન્દ્ર સરકારે મહાન બેટ્સમેન તેંડુલકરને ભારત રત્ન આપવાની ભલામણ કરી હતી અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સચિનને આ સન્માન આપ્યું હતું. તેના પહેલા અને તેના પછી આજ સુધી કોઈ ખેલાડીને આ સન્માન નથી મળ્યું. ક્યારેય કોઈ ખેલાડીને ભારત રત્ન એવોર્ડ આપવાની જોગવાઈ પણ નહતી અને તે સમયે ફક્ત સચિન માટે જ આ નિયમો બદલવામાં આવ્યા હતા. હવે કોહલીને આ સન્માન મળશે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.