
- એન્ટેના
- લગ્ન કરવા માટેના ખર્ચ માટે પણ પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડવામાં આવતી રકમ પર કોઈ જ આવકવેરો લાગતો નથી
નોકરીમાં લાગ્યાને પાંચ વર્ષ પૂરા થયા પહેલા જ પ્રોવિડન્ટ ફંડની રકમનો ઉપાડ કરવામાં આવે તો તેના પર તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે ૩૦ ટકા સુધીનો ઇન્કમટેક્સ ભરવો પડશે. નોકરીને પાંચ વર્ષ પૂરા થાય તે પહેલા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરનારે કંપનીના માલિકે પ્રોવિડન્ટ ફંડમાં તેના હિસ્સા પેટે જમા કરાવેલી રકમ અને તેના પર મળેલા વ્યાજની રકમને પગાર જ ગણી લઈને તેના પર કરદાતાના ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ લાગુ કરવામાં આવે છે.
પાંચ વર્ષ સુધીના ગાળામાં કર્મચારીના પગારમાંથી કપાયેલી રકમ અને તેના પર મળેલા વ્યાજને વેરાને પાત્ર ગણવામાં આવશે નહિ, પરંતુ તેના પર આવકવેરા ધારાની કલમ ૮૦ સી હેઠળ નોકરિયાતે ટેક્સ ડિડક્શન લીધું હોય તો પણ તે રકમ વેરાને પાત્ર બની જાય છે. કલમ ૮૦ સી હેઠળ પ્રોવિડન્ટ ફંડની રકમ બાદ લીધી હોય તો તે રકમનો તમારા પગારની રકમમાં ઉમેરો થઈ જાય છે. તેમ જ કર્મચારીના પગારની રકમમાંથી પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલી રકમ અને તેના પર મળતા વ્યાજની રકમને પણ વેરાને પાત્ર ગણી લેવામાં આવે છે. આવકવેરા ધારા હેઠળ આ આવકને અન્ય સ્રોતમાંથી થયેલી આવક ગણીને તેના પર આવકવેરો લગાડવામાં આવે છે. તદુપરાંત નોકરિયાત તેના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા પડેલી રકમમાંથી રૂ. ૫૦,૦૦૦થી વધુનો ઉપાડ કરે તો તેના પર ૧૦ ટકાના દરે ટેક્સ ડિડકશન એટ સોર્સ-ટીડીએસ કરી લેવામાં આવે છે. અલબત્ત નોકરિયાતે લગ્ન, શિક્ષણ, ઘરની ખરીદી કે પછી મેડિકલ ઇમરજન્સી માટે પ્રોવિડન્ટ ફંડની રકમનો ઉપાડ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ માટેના નિયમો મુજબ કર્યો હશે તો તેના પર કોઈ જ ટેક્સ લાગુ પડતો નથી. તેમ જ કલમ ૮૦ સી હેઠળ લેવામાં આવેલા લાભ પણ ઉપર જણાવેલા સંજોગોમાં કરવામાં આવેલા ઉપાડમાં પાછા ખેંચી લેવામાં આવતા નથી.
મેડિકલ ઇમરજન્સી આવી હોય તો તેવા સંજોગોમાં કર્મચારી એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં જમા પડેલી રકમમાંથી કેટલીક રકમનો ઉપાડ કરી શકે છે. હા, આ ઉપાડ માટે પણ ચોક્કસ નિયમો કરવામાં આવેલા છે. ઘરની ખરીદી કે પછી હોમ લોનની પુનઃ ચૂકવણી માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાંનો ઉપાડ કરવામાં આવે તો પણ તેના પર આવકવેરાનો બોજો આવતો નથી. તેને માટે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ રકમ નહિ, પરંતુ આંશિક રકમનો ઉપાડ કરવા દેવામાં આવે છે. નોકરિયાત વ્યક્તિ પોતાના કે પછી પોતાના સંતાનોના ઉચ્ચ શિક્ષણના ખર્ચ કરવા માટે પણ પ્રોવિડન્ટ ફંડની રકમમાંથી ઉપાડ કરે તો તેના પર વેરાનો બોજ આવતો નથી. આ જ રીતે લગ્ન કરવા માટેના ખર્ચ માટે પણ પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડવામાં આવતી રકમ પર કોઈ જ આવકવેરો લાગતો નથી.
પ્રોવિડન્ટ ફંડની રકમ રોકવામાં આવે ત્યારથી માંડીને ઉપાડ કરવા સુધી ટેક્સ ફ્રી હોવાનું સહુ જ માને છે, પરંતુ પારિવારિક જરૂરિયાતને નામે પ્રોવિડન્ટ ફંડ અધવચ્ચેથી જ ઉપાડનારાઓને માથે ૩૦ ટકા આવકવેરાની જવાબદારી આવી શકે છે. ભારતના નોકરિયાતો દર વર્ષે પ્રોવિડન્ટ ફંડમાંથી અંદાજે રૂ. ૧ લાખ કરોડનો ઉપાડ કરી રહ્યા છે.
- વિવેક મહેતા