
Gujarat Weather Forecast: પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનને લીધે ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે. જેના લીધે ગઈકાલે 25 મે રવિવારે સાંજે અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત ભારે પવન ફૂંકાતા શહેરમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. ગત રોજ પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો હતો. જો કે, હવામાન વિભાગે આગામી 29 મે સુધી ભારે વરસાદની આગાહી દર્શાવી છે. તેમજ આવતીકાલથી એટલે કે, મંગળવારથી પવનનું જોર વધવાની પણ આગાહી વ્યકત કરી છે. 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી વ્યક્ત કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
https://twitter.com/IMDAHMEDABAD/status/1926877886952190127
અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિને લઈને રાજ્ય સરકારે એલર્ટ વાળા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી હતી. જ્યારે દરિયામાં મજબૂત અને ઊંચા મોજાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.