
ઈઝરાયલે શનિવારે (26મી ઓક્ટોબર) વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ મામલે ઈઝરાયલની સેના પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યાનુસાર, 'આ હુમલો પહેલી ઓક્ટોબરે ઈરાની મિસાઈલ હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. અમારૂ મિશન પૂરું થયું.'
આ હુમલા બાદ ઈરાને એરસ્પેસ બંધ કરી
ઈઝરાયલના હુમલા બાદ ઈરાને એરસ્પેસ બંધ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાકે પણ તેની ફ્લાઇટ્સ રદ કરી છે. આ હુમલાઓએ બે કટ્ટર દુશ્મનો વચ્ચે સર્વત્ર યુદ્ધનો ખતરો વધુ વધ્યો છે. નોંધનીય છે કે,પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથો-ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહ - ઈઝરાયલ સાથે પહેલેથી જ યુદ્ધમાં ચાલી રહ્યું છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મધ્ય પૂર્વમાં સમજૂતી અને શાંતિના ઉદ્દેશ્ય સાથે ઈઝરાયલ પહોંચ્યા છે.
https://twitter.com/IDF/status/1849957541301666038
સીરિયામાં પણ કરાયા હુમલા
IDF એ અન્ય એક ફોટો શેર કર્યો હતો જેમાં ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ હરઝી હલેવી, ઇઝરાયેલી વાયુસેનાના કમાન્ડિંગ ઓફિસર જનરલ ટોમર બાર સાથે કેમ્પ રાબિન (કિરિયા) ખાતે આવેલા ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઈરાન પર હુમલાના કમાન્ડ આપતા દેખાય છે. બીજી તરફ, સીરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર ઇઝરાયલે રાત્રે લગભગ 2 વાગ્યે દક્ષિણ અને મધ્ય સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા તે જ સમયે થયા છે જ્યારે ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, સીરિયાએ ઇઝરાયલની કેટલીક મિસાઇલોને તોડી પાડી હતી. અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર હુમલો કર્યો હતો. ઈરાનનું કહેવું છે કે, ઈઝરાયલના હુમલાએ ઈલમ, ખુઝેસ્તાન અને તેહરાનમાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા, જેનાથી 'મર્યાદિત નુકસાન' થયું છે.
ઈરાને હુમલાનો કર્યો સ્વીકાર
ઈરાને તેહરાન, ખુઝેસ્તાન અને ઈલામ પ્રાંતમાં લશ્કરી કેન્દ્રો પર હુમલાની વાત સ્વીકારી છે. ઈઝરાયલી મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈરાન વિરુદ્ધ ત્રણ તબક્કામાં હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલના અધિકારીઓનો હવાલો આપતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રથમ તબક્કાનો હુમલો ઈરાની એર ડિફેન્સ પર કેન્દ્રિત હતો જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં મિસાઈલ અને ડ્રોન બેઝ અને પ્રોડક્શન સાઇટ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
ઈરાક, સીરિયા અને લેબનોનમાં પણ બ્લાસ્ટ
ઈરાન ઉપરાંત ઈરાક અને સીરિયામાં પણ બ્લાસ્ટ થયા હોવાની સૂચના મળી છે, જેના કારણે સીરિયન સેનાને પોતાની હવાઈ સુરક્ષાને સક્રિય કરવી પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીરિયાની રાજધાની દમાસ્કસમાં વિસ્ફોટની સૂચના મળી છે. દિયાલા અને સલાહ અલ-દિન ગવર્નરેટ્સની બહારના વિસ્તારમાં પણ વિસ્ફોટોની સૂચના મળી છે.