
Bhavnagar news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનો સીલસીલો યથાવત્ છે.આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ વધતી જઈ રહી છે. રાજ્યનો અકસ્માતનું હબ ગણાતા ભાવનગરમાં રવિવારે ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એકનું મોત જ્યારે ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગરના જૂના રતનપુર નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના રાણિકા વિસ્તારના કેટલાક લોકો નિષ્કલંક કોળિયાકના દરિયા કિનારે ગયા હતા અને ત્યાંથી તેઓ રિક્ષામાં પરત આવી રહ્યા હતા ત્યારે જૂના રતનપર નજીક કારચાલકે બેફિકરાઈથી કાર ચલાવી રિક્ષાને અડફેટ મારી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.જ્યારે અકસ્માતમાં રેખાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું અને ત્રણથી ચાર લોકોને ઈજાઓ થતાં તમામને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.