
IPLની ફાઈનલ મેચ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ જે પણ જીતશે તે 18 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ટાઈટલ જીતશે. પરંતુ, આ મોટી મેચમાં ફેન્સની મજા બગડી શકે છે, કારણ કે મેચ પર વરસાદનું જોખમ છે. જો વરસાદને કારણે મેચ ન રમાઈ, તો આ સ્થિતિમાં RCBની મુશ્કેલીઓ વધી શકે છે.
આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં PBKS અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાઈ હતી. વરસાદે આ મેચમાં પણ વિક્ષેપ પાડ્યો હતો, જેના કારણે મેચ ખૂબ મોડી શરૂ થઈ હતી. વરસાદને કારણે આ મેચમાં ટોસ પણ મોડો થયો હતો. આ રોમાંચક મેચ આખરે રાત્રે પોણા દસ વાગ્યે શરૂ થઈ અને નિર્ધારિત સમય કરતાં ઘણી મોડે સુધી ચાલી. મંગળવારે પણ કંઈક આવું જ થવાની ધારણા છે, જ્યાં મેચ દરમિયાન વરસાદની શક્યતા 50 ટકાથી વધુ છે.
જો મેચ રદ્દ થાય તો કોણ જીતશે?
જો મંગળવારે વરસાદને કારણે મેચ પૂર્ણ ન થાય, તો મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો રિઝર્વ ડે પર પણ કોઈ કારણસર મેચ મુલતવી રાખવામાં આવે છે, તો આ કિસ્સામાં લીગ સ્ટેજ દરમિયાન પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ ટ્રોફી જીતશે. આનો અર્થ એ થયો કે જો બંને દિવસે વરસાદને કારણે મેચ રદ્દ થાય છે, તો પંજાબ કિંગ્સ (PBKS) ચેમ્પિયન બનશે. જો આવું થાય છે, તો RCB ફરી એકવાર ટાઈટલની નજીક પહોંચી જશે અને તેનાથી દૂર રહેશે.
2023ની ફાઈનલનું આયોજન પણ અમદાવદમાં થયું હતું
અમદાવાદમાં અગાઉ 2023ની IPL ફાઈનલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ મેચ વરસાદથી ભારે પ્રભાવિત થઈ હતી. આ મેચ 28 મેના રોજ યોજાવાની હતી, પરંતુ વરસાદને કારણે તે દિવસે એક પણ બોલ નહતો ફેંકાયો. આ મેચ માટે રિઝર્વ ડેની પણ જોગવાઈ હતી, જ્યાં બીજા દિવસે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) ને 5 વિકેટથી હરાવીને પાંચમી વખત ટાઈટલ જીત્યું હતું.