
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)નો આમનો સામનો થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભાગ લેવા બુધવારે (25 જૂન, 2025) ચીનના કિંગદાઓ પહોંચશે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અને NSA અસીમ મલિક પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે. અજિત ડોભાલ પહેલેથી જ ચીનમાં છે અને સોમવારે તેમણે ચીનના વિદેશમંત્રી વાંગ યીને પણ મળ્યા હતા.
એક મંચ પર સામસામે આવશે
ઓપરેશન સિંદૂર પછી પ્રથમવાર ભારત અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અને NSA એક મંચ પર સામસામે આવશે. ભારત આ બેઠકમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. પાકિસ્તાનની સામે જ બેસીને ત્યાંથી આતંકવાદી કાવતરાં કેવી રીતે ઘડવામાં આવ્યા તેનો પર્દાફાશ કરશે.
SCO બેઠકમાં હાજરી આપવા માટે ચીન જવા રવાના થશે
રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે તેઓ આજે 25 અને 26 જૂને યોજાનાર SCO બેઠકમાં હાજરી આપવા માટે ચીન જવા રવાના થશે. તેમણે લખ્યું છે કે, 'SCO બેઠક થકી વિવિધ દેશોના સંરક્ષણમંત્રીઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે. હું વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને આતંકવાદને સમાપ્ત કરવા માટે સંયુક્ત અને સહિયારા પ્રયાસો માટેનું આહ્વાન કરવા આતુર છું.'
અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે નહીં
SCO બેઠક સિવાય ભારત રશિયા અને ચીન સહિત અન્ય સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓ અને NSA સાથે પણ મુલાકાત કરશે. પરંતુ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય બેઠકની આશા નથી. ભારતે પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) વિશે વાત નહીં કરે ત્યાં સુધી તેની સાથે અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે નહીં.
SCO ની રચના વર્ષ 2001 માં થઈ હતી અને ભારત 2017 માં તેનું સભ્ય બન્યું હતું. વર્ષ 2023માં, SCO ની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ બેઠકમાં હાજરી આપવા માટે ભારત આવ્યા નહોતા. પરંતુ તેમણે વર્ચ્યુઅલી બેઠકમાં હાજરી આપી હતી. SCO ના સભ્ય દેશો ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન અને બેલારુસ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક લોકોએ ઘણીવાર કહ્યું છે કે વેપાર અને આતંકવાદ એકસાથે નહીં બને. પાકિસ્તાને આતંકવાદીઓને ભારતને સોંપી દેવા જોઈએ અને જમ્મુ અને કાશ્મીરનો ગેરકાયદેસર રીતે કબજો કરેલો ભાગ ખાલી કરે. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી આ મુદ્દાઓ નહીં ઉકેલાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય વાતચીત થશે નહીં.
ભારતે હંમેશા આતંકવાદનો વિરોધ કર્યો
પાકિસ્તાનની ધરતી પર ઉછરેલા આતંકવાદી સંગઠનો ભારત વિરુદ્ધ કાવતરાં ઘડીને પહેલગામ હુમલા જેવી ઘટનાઓને અંજામ આપે છે, પરંતુ પાકિસ્તાન આતંકવાદના મુદ્દા પર વૈશ્વિક મંચ પર હંમેશા ખોટું બોલતું રહ્યું છે અને હવે પોતાને આતંકવાદનો શિકાર થયો હોવાનું કહેવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદ જેવા ભયાનક આતંકવાદી સંગઠનોના માસ્ટર માઈન્ડને આશ્રય આપ્યો છે. તેઓ ત્યાં આતંકવાદી કેમ્પ ચલાવતા હોવા છતાં પાકિસ્તાન તેનો ઇનકાર કરી રહ્યું છે.