
છત્તીસગઢમાં 1.5 કરોડ રૂપિયાના ઈનામી નક્સલી સહિત 27 નક્સલીઓને સેનાએ ઢેર કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 3 દાયકામાં આવું પહેલીવાર બન્યું છે કે આટલો મોટો નક્સલી નેતા માર્યો ગયો છે. ગૃહમંત્રીએ કહ્યું કે નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ નક્સલ ચળવળની કરોડરજ્જુ સમાન હતો. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર-દંતેવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક અગ્રણી નક્સલી નેતા બસવરાજુ સહિત 27 નક્સલીઓને ઠાર માર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે આ ઓપરેશનને નક્સલવાદ સામેની લડાઈમાં મોટી સફળતા ગણાવી. તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે, 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 'નક્સલવાદ સામેની લડાઈમાં આ એક ઐતિહાસિક સફળતા છે.' આજે છત્તીસગઢના નારાયણપુરમાં થયેલી એક કાર્યવાહીમાં આપણા સુરક્ષા દળોએ 27 ખતરનાક માઓવાદીઓને મારી નાંખ્યા. સેનાની આ કાર્યવાહીમાં સીપીઆઈ-માઓવાદીના સૌથી મોટા નેતા અને નક્સલવાદી ચળવળની કરોડરજ્જુ સમાન નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુનું પણ મોત થયું છે.
અમિત શાહે વધુમાં કહ્યું, 'નક્સલવાદ સામેના ત્રણ દાયકાથી ચાલી રહેલા સંઘર્ષમાં આ પહેલી વાર છે જ્યારે સુરક્ષા દળો દ્વારા મહાસચિવ સ્તરના નેતાને મોતને ઘાટ ઉતારી દેવાયો છે.' આ મોટી સફળતા માટે હું આપણા સુરક્ષા દળો અને એજન્સીઓને અભિનંદન આપું છું. ગૃહમંત્રીએ કહ્યું કે, ઓપરેશન બ્લેક ફોરેસ્ટ પૂર્ણ થયા પછી છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 54 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને 84 લોકોએ આત્મસમર્પણ કર્યું છે.