
- 'મારી રજૂઆતને વધારે પ્રમાણભૂત બનાવવા, સંવાદ સાંભળવમાં બહેતર લાગે તે માટે હું ઘણીવાર મારા સંવાદોમાં જરૂરી ફેરફારો કરતો હોઉં છું.'
હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પદ્મિનિ કોલ્હાપુરે અગિયાર વર્ષ બાદ ટીવી શોના માધ્યમમાં ફરી એકવાર પુનરાગમન કરી રહી છે. ૨૦૧૩માં સોની ટીવી પર 'એક નઈ પહેચાન' નામની ટીવી સિરિયલનું પ્રિમિયર યોજાયું હતું. આ સિરીઝમાં પદ્મિની કોલ્હાપુરે ઉપરાંત પૂનમ ઢિલ્લોં પણ હતી. આ ચોથી જુને આ જ ચેનલ પર ચક્રવર્તિ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું પ્રિમિયર યોજાયું અને આ પ્રતિભાશાળી અભિનેત્રી ટીવી સિરિયલના દ્વારા અગિયાર વર્ષે પુનરાગમન કર્યું. પદ્મિની કોલ્હાપુરે કહે છે કે, "આ શોમાં સામેલ થવાનું મારા માટે બહું મહત્ત્વપૂર્ણ છે."
આ ટીવી શોમાં ચંદ બરડાઇની સૂત્રધાર તરીકેની ભૂમિકા આશુતોષ રાણા ભજવી રહ્યો છે. આશુતોષ રાણાને ચંદ બરડાઇની ભૂમિકાનો પરિચય સાતમા ધોરણમાં હતો ત્યારથી છે. એ સમયે આશુતોષ રાણાને અમર ચિત્ર કથા વાંચવાનો શોખ હતો. તેઓ કહે છે, "કોઈપણ સ્ટોરીમાં નેરેટરનું કામ મહત્ત્વપૂર્ણ હોય છે. તે દર્શકોને કથા ભણી આકર્ષે છે, એટલું જ નહીં, તે દર્શકોને કથા સાથે જોડી આપવાનું મહત્ત્વનું કામ પણ કરે છે. આ શોમાં હું સૂત્રધાર તરીકે દર્શકોને મારી નજરે પૃથ્વીરાજની દુનિયાની સફર કરાવી રહ્યો છું. મારી આ ભૂમિકા ખાસી મહત્ત્વની છે."
હાલ આ પ્રકારના શો આવી રહ્યા છે તેમાં ઘણીવાર ઈતિહાસને મારી મચડીને રજૂ કરાતો હોવાની પણ ફરિયાદ થાય છે તે બાબતે રાણાનું ધ્યાન દોરતાં તેમણે જણાવ્યું હતું કે, "હકીકત તો એ જ હોય છે પણ સત્યને દર્શાવવાની રીત બદલાતી રહે છે. જે રીતે કથા રજૂ થાય તેની અસર આપણી પર પણ થાય છે. મને લાગે છે કે જો સ્ટોરી હકીકત પર આધારિત હોય તો તેને કહેવાની રીત હંમેશા બદલાતી રહે છે. તમે એક જ સ્ટોરી તમારા માતા-પિતા અને પત્નીને કરો ત્યારે તેમાં ફરક હોય છે. પણ તેમાં હકીકત તો એક જ રહે છે. લોકો ધારી લેતાં હોય છે કે અમે ઈતિહાસને તોડી મરોડીને રજૂ કરીએ છીએ પણ અમે સદીઓ જુની કથાને ઈતિહાસને આધારે ફરી સર્જવાનો પ્રયાસ કરતાં હોઇએ છીએ. એવું બને કે સ્ટોરીમાં ચડાવ ઉતાર આવે પણ હું કહીશ કે હકીકત તો યથાવત જ રહે છે."
આશુતોષ રાણા તેમના સંવાદોને પોતાની રીતે રજૂ કરવા માટે જાણીતા છે. હિન્દી ભાષા પર સારું પ્રભૂત્વ ધરાવતા રાણા ઘણીવાર પોતાના સંવાદોને દમદાર રીતે રજૂ કરવા તેમાં ઘણીવાર યથોચિત ફેરફારો પણ કરી લે છે. આ બાબતે ફોડ પાડતાં આશુતોષ રાણાએ જણાવ્યું હતું કે, "મારી રજૂઆતને વધારે પ્રમાારભૂત બનાવવા હું ઘણીવાર મારા સંવાદોમાં જરૂરી ફેરફારો કરું છું, પણ હું આ ફેરફારને સુધારા વધારા ગણતો નથી. હું તો ભાષામાં એટલા માટે પરિવર્તન કરું છું કે સંવાદ સાંભળવામાં વધારે સારા લાગે. વિચાર એ જ હોય છે પણ હું મારા ભાષાના જ્ઞાાન દ્વારા તેમાં વધારે સ્પષ્ટતા લાવું છું અને તેમાં વજન ઉમેરું છું. રાણાએ આ માટે લેખકો, નિર્માતા અને નિર્દેશકોની ઉદારતાનો સ્વીકાર કરી તેમનો આભાર માન્યો હતો."
આશુતોષ રાણાએ પોતાની વાત વિગતે સમજાવતાં જણાવ્યું હતું કે, "એક અભિનેતા તરીકે હું હમેંશા માનતો આવ્યો છું કે અવાજમાં બહું મોટી તાકાત હોય છે. આ નેરેશન દ્વારા હું કથામાં ઉંડાણ અને ગરિમા લાવવા માંગું છું. હું જે ભાવનાઓ સાથે સંકળાવાનો છું તે તાકાત,ઝનૂન અને સન્માન સાથે જોડાયેલી છે અને તે આ શોના હાર્દ સાથે મેળ ખાય છે."
ચક્રવર્તિ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એક ઐતિહાસિક ધારાવાહિક છે, જે મહાન યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. આ ધારાવાહિકમાં પૃથ્વીરાજ ચૌહાણના જીવનની સફર દર્શાવવામાં આવી છે. તેઓ એક માસુમ યુવાન રાજકુમારમાંથી ધીરે ધીરે એક મહાન યોદ્ધા કેવી રીતે બન્યા તેની રજૂઆત કરવામાં આવશે. પૃથ્વીરાજ ચૌહાણ મહાન યોદ્ધા કેવી રીતે બન્યા તે દર્શાવતી મહત્ત્વપૂર્ણ ઘટનાઓને આ ટીવી શોમાં આવરી લેવામાં આવી છે. આ ટીવી શોમાં પદ્મિનિ કોલ્હાપુરે અને આશુતોષ રાણા ઉપરાંત અનુજા સાઠે, રોનિત રોય અને રૂમી ખાન પણ મહત્ત્વની ભૂમિકાઓ કરી રહ્યા છે.