
Tapi News: તાપીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. ડોલવણ તાલુકાના વરજાખણ ગામના ગામીત ફળિયાનો બનાવ સામે આવી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આરોપી જતીન પટેલે 24 વર્ષીય પત્ની સુલોચના પટેલ અને 7 વર્ષની પુત્રી મિશ્વાકુમારીને ગળે ટૂંપો દઈ હત્યા કરી દીધી હતી અને હત્યા કર્યા બાદ આરોપી જતીન પટેલે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સમગ્ર બનાવને લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગમ્ય કારણોસર આરોપીએ હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.