Junagadh News: કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષ મેદાને આવી ચડ્યા છે. ‘આપ’ પાર્ટીએ બંને સ્થળે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે તો હવે ભાજપ અને કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર કરવાની તૈયારીમાં છે.
જૂનાગઢની વિસાવદર બેઠક પર કોંગ્રેસ નીતિન રાણપરીયાને ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. નીતિન રાણપરીયા ભેંસાણ પંથકના જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય છે. લેઉવા પટેલ સમાજની અનેક સંસ્થાઓ તથા સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. થોડીવારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત કરાશે. આજે કોંગ્રેસની વિસાવદરમાં સભા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ સહિતના નેતાઓ વિસાવદરમાં હાજરી આપશે. પ્રદેશના નેતાઓની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. જો કે, કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે.
વિસાવદર ખાતે શક્તિસિંહ ગોહિલે ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ તૈયાર છે. ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે. જો કે, વિસાવદર બેઠક પર કોંગ્રેસ નીતિન રાણપરીયાને ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.