
સુરતના પાલનપુર પાટિયા વિસ્તાર પાસે આવેલા મશાલ સર્કલ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ભૂમિ નીચે ધસાવા લાગતાં સડક વચ્ચે ઊંડો ખાડો પડી ગયો છે. આ ઘટનાને કારણે આસપાસના રહીશોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. મશાલ સર્કલ વિસ્તારમાં ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે પાદચારીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં આવાં ભૂવો પડવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં તંત્ર તરફથી સ્થાયી સમાધાન કરવામાં આવ્યું ન હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે.
તાકીદે પગલાં લેવા જરૂરી
માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, "આ વિસ્તારમા વારંવાર ભૂવો પડતા રહીશો અત્યંત પરેશાન છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ટેક્નિકલ તપાસ કરીને આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે તાકીદે પગલાં લેવાં જરૂરી છે."આ વિસ્તારના રહીશોનો પણ એવો આક્ષેપ છે કે, ભૂગર્ભ લાઈનોના અયોગ્ય મેન્ટેનન્સ અને જૂના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કારણે વારંવાર ભૂવો પડે છે.
તંત્ર સમીક્ષા કરે તેવી માગ
ઉનાળામાં જમીનની અંદર પાઈપલાઈનો ફાટી જવાની શક્યતા વધુ હોય છે, જેના કારણે જમીન ધસી જવાથી ભૂવો સર્જાય છે. સ્થાનિક તંત્રે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. ખાડો ભરવાની કામગીરી હાથ ધરી છે. તેમ છતાં, રહીશો માંગ કરી રહ્યા છે કે માત્ર ખાડો ભરી દેવું પૂરતું નથી, પરંતુ આખા વિસ્તારની ટેક્નિકલ સર્વે અને ભૂગર્ભ તંત્રની સમીક્ષા જરૂરી છે.