
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે. માછલીઓના મોત બાદ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને પગલે વોકિંગ માટે આવનારા હજારો નાગરિકો અને નજીકની દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
મોર્નિંગ વોકર પરેશાન
સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતા જાણવામાં આવ્યું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને તેમાં ઘણીઓ માછલીઓ મરી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, "હું એક પર્યાવરણ પ્રેમી છું અને જ્યારે આ દુર્ગંધની ફરિયાદ મળી ત્યારે તરત જ ઘટનાસ્થળે પહોચ્યો હતો. તળાવમાં ગંદા ટર્સરીના પાણી છોડાતા આ હાલત સર્જાઈ છે. મોર્નિંગ વોકર પણ પરેશાન છે. જેથી સવારે ચાલવા પણ આવતા નથી"
મહિનાથી લોકો પરેશાન
તળાવની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વસવાટ કરતા રહેવાસીઓ પણ પરેશાન છે. સ્થાનિક નિવાસી નેનસિબેનએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ સહન કરી રહ્યા છીએ. તળાવનું પાણી ગંદું થઈ ગયું છે અને અમારા ઘરમાં પણ તેની અસર થાય છે. ઘણા સમયથી તંત્રને રજૂઆત કરીએ છીએ, છતાં કોઈ પગલા લેવાતા નથી."
આરોગ્યને નુકસાનની ભીતિ
દાળિયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પરિસ્થિતિ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી બની છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આ તળાવ પથારીજન્ય રોગોનું કેન્દ્ર બની શકે છે. પ્રજાજનો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક તળાવની સફાઈ, પાણીનું શુદ્ધિકરણ અને ફરીથી માછલીઓના જીવન માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરાય.