
આજે, ભારતની બહાદુર દીકરીઓ ફક્ત સરહદોનું રક્ષણ જ નથી કરી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો અવાજ પણ બની રહી છે. જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ વિશ્વભરના મીડિયાને માહિતી આપવાનો સમય આવ્યો, ત્યારે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મહત્ત્વપૂર્ણ પ્રેસ બ્રીફિંગમાં હાજરી આપી હતી.
કોણ છે કર્નલ સોફિયા કુરેશી?
કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં એક એવું નામ છે, જે જુસ્સા, મહેનત અને નેતૃત્વનું ઉદાહરણ બની ગયું છે. એક્સરસાઇઝ ફોર્સ 18 હેઠળ 18 દેશોની મલ્ટીનેશનલ આર્મી ડ્રીલમાં ભારતનું કમાન્ડિંગ કરવાની તક મળતાં તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમજ તે એકમાત્ર મહિલા હતા જે કોઈપણ દેશના સૈન્ય ટીમનું કમાન્ડિંગ કરી રહ્યા હોય. તેમણે 40 સૈનિકોની ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું.
કર્નલ સોફિયાની અત્યાર સુધીની સફર
વર્ષ 1981માં ગુજરાતના વડોદરામાં જન્મેલા સોફિયાએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ વર્ષ 1999માં તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાયા. તેઓ સિગ્નલ કોર્પ્સમાંથી છે, જે સેનાના સંદેશાવ્યવહાર અને માહિતી પ્રણાલી માટે જવાબદાર છે. વર્ષ 2006 માં, તેમને યુએન પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા અને 6 વર્ષથી વધુ સમયથી શાંતિ મિશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને પીસકીપિંગ ટ્રેનિંગ ગ્રુપમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય મિશન માટે શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડે છે. તેમનો સેના સાથે જૂનો સંબંધ છે. તેમના દાદા સેનામાં હતા અને તેના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ઓફિસર છે.