
Bharuch News: અંગત અદાવતમાં એક વ્યક્તિનું અપહરણ કરનાર બે શખ્સની દાહોદથી ધરપકડ કરવામાં આવી છે. દાહોદથી બંને આરોપીઓને ભરુચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી બોલેરો ગાડી સહિત રૂ.પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઇ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા છે.
શોધખોળ કરતાં બોલેરો ગાડીના CCTV સામે આવ્યા હતા
ગત ૧૫ મેના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા બોલેરો ગાડીમાં જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી. તે સમયે CCTV કેમેરા જોતા બોલેરો ગાડીનો નંબર તપાસ કરતા તે એક સફેદ કલરની બોલેરો ગાડી હોવાનું જણાઈ આવી હતી.
પીડિતને પોતાના વનત લઈ જવાયો, પોલીસ બાતમીના આધારે પહોંચી અને છોડાવ્યો
ગાડીમાં કમલેશ માનજીભાઇ ભુરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેથી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ભોગ બનનારને પોલીસે મુક્ત કરાવી અપહરણકર્તા કમલેશ ભુરા અને શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ રૂ. 5.10 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.