
બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર 2025એ સમાપ્ત થઇ રહ્યો છે. એવામાં ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. આ વખત વિધાનસભા ચૂંટણી બેથી ત્રણ તબક્કામાં યોજાઇ શકે છે. ચૂંટણીની તારીખ દિવાળી અને છઠ્ઠ જેવા મહત્ત્વપૂર્ણ તહેવારોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે જેથી પર્વ-તહેવારોમાં મતદારોને કોઇ મુશ્કેલી ના પડે.
- બિહારમાં ગત વખતે 2020ની વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજવામાં આવી હતી.
- પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબર 2020માં 71 બેઠકો પર મતદાન થયું હતું.
- બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો પર મતદાન થયું હતું.
- જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કામાં 7 નવેમ્બરે 78 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું.
- તે બાદ 10 નવેમ્બર 2020માં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર કરી શકે છે બિહારનો પ્રવાસ
સૂત્રો અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આ મહિને બિહારનો પ્રવાસ કરી શકે છે. આ દરમિયાન તે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ચૂંટણી પંચના અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા સાથે જાડાયેલા અધિકારી અને કર્મચારીઓની ટ્રેનિંગ પણ ચાલી રહી છે. ચૂંટણી પંચનો એવો પ્રયાસ છે કે મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીની જેમ બિહારમાં પણ મતદાર યાદીને લઇને કોઇ વિવાદ ઉભો ના થાય. આ ઉદ્દેશ્યથી BLO (બૂથ લેવલ ઓફિસર)ને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.
મતદાર યાદીને લઇને સાવચેતી
ચૂંટણી પંચે જણાવ્યું કે બિહાર, હરિયાણા અને દિલ્હીમાં 6થી 10 જાન્યુઆરી 2025 વચ્ચે અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. તે બાદ કોઇ અપીલ દાખલ કરવામાં આવી નથી. BLOને ઓળખ પત્ર આપવામાં આવી રહ્યા છે જેથી તે ઘરે ઘરે જઇને ચકાસણી કરી શકે.
ડુપ્લીકેટ EPIC નંબર સમાપ્ત થશે
વિપક્ષના આરોપો બાદ ચૂંટણી પંચે કેટલાક કડક પગલા ભર્યા છે. હવે ડુપ્લીકેટ EPIC નંબર પુરી રીતે સમાપ્ત કરવામાં આવ્યા છે. મૃતક મતદારોના નામ હટાવવા માટે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના મૃત્યુ રજિસ્ટાર સાથે ડેટાને જોડવામાં આવ્યું છે.