સુરતના વેડ રોડ ઉપર ઘર નજીક રહેતી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવી ડભારી બીચ ઉપર ફરવા લઇ જઇ કોલ્ડ્રીંકસમાં કેફી પદાર્થ પીવડાવી અર્ધબેભાન અવસ્થામાં મિત્ર સાથે ગેંગરેપને અંજામ આપ્યો હોવાનો આરોપ છે. હાલ બન્ને આરોપી પોલીસના રિમાન્ડ હેઠળ છે. ત્યારે આજે પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્કશન કરાવ્યું હતું.
પીડિત યુવતીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતા કરી હતી
વેડ રોડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય અવની સિંહ (નામ બદલ્યું છે) સાથે અઠવાડિયા અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી વોર્ડ નં. 8 ના મહામંત્રી અને યુવા મોરચા અધ્યક્ષ આદિત્ય દેવેન્દ્ર ભોલા (ઉપાધ્યાય) (ઉ.વ. 24 રહે. આનંદ પાર્ક સોસાયટી, અંખંડ આનંદ કોલેજ પાસે, વેડ રોડ, સુરત) અને તેના મિત્ર ગૌરવ રણવીજય સિંહ (ઉ.વ.24 રહે. વિશ્રામ નગર સોસાયટી, અખંડ આનંદ કોલેજ પાસે, વેડ રોડ) ડુમ્મસ ફરવા જવાનું કહી ડભારી બીચ ઉપર લઇ ગયા હતા.
વોડકા ફેન્ટામાં મિક્સ કરી હતી
પાણીની તરસ લાગતા વોડકા મીક્સ કરેલી ફેન્ટા આપી હતી. વોડકાની અસરને કારણે અવનીને ચક્કર આવવાની સાથે ઘેન ચડયું હતું. જેથી ઘરે જવાનું કહેતા સાથે જનાર અવનીની ફ્રેન્ડ રેશ્માને ઘર નજીક ઉતાર્યા બાદ અવનીને જહાંગીરપુરા કેનાલ રોડની ઓયો ગ્રીન હોટલમાં લઇ જઇ એક પછી એક બંને જણાએ દુષ્કર્મ કર્યુ હતું. આ પ્રકરણમાં જહાંગીરપુરા પોલીસે બંને હવસખોર નરાધમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. જેમાં આજે જ્હાંગીરપુરામાં રસ્તા પર તેમનો વરઘોડો પોલીસે યોજ્યો હતો. ત્યારે બન્ને આરોપી નીચા માથા કરીને ચાલતા નજરે પડ્યાં હતાં.