
શેફાલી જરીવાલાના અણધાર્યા અવસાને મનોરંજન ઉદ્યોગ અને તેના ચાહકોને આંચકો આપ્યો છે. ૨૦૦૨ના આઈકોનિક મ્યુઝિક વીડિયો 'કાંટા લગા'માં તેના બ્રેકઆઉટ પરફોર્મન્સથી પ્રસિદ્ધ થયેલી શેફાલીએ છેલ્લા થોડા વર્ષો દરમ્યાન તેની જાહેર છબી અને અંગત જીવનને દ્રઢતા, નવી શરૂઆત અને આત્મનિરીક્ષણની શક્તિશાળી વાર્તામાં પરિવર્તિત કરી હતી. અવસાનના થોડા મહિના અગાઉ જ શેફાલીએ વિવિધ મુલાકાતોમાં તેના ભાવનાત્મક અનુભવો, ભાવિ આકાંક્ષાઓ અને અંગત જીવનના ઉતાર-ચઢાવ પછી મળેલી શાંતિની લાગણી વિશે ખુલીને વાત કરી હતી.
સાધારણ પરિસ્થિતિમાંથી સ્ટારનો ઉદય
શેફાલીએ પોતાની વ્યાવસાયિક સફરને એક પરીકથા સમાન વર્ણવી છે. કાંટા લગાથી મળેલા અણધાર્યા સ્ટારડમને યાદ કરતા તેણે કહ્યું હતું કે મધ્યમ વર્ગની ગુજરાતી છોકરી રાતોરાત રાષ્ટ્રીય સનસનાટી બની ગઈ, આ જ તો મારુ ધ્યેય હતું. જો કે આઈટમ ગર્લના લેબલને ચીપકી રહેવાના સ્થાને શેફાલીએ તેની કારકિર્દીમાં નવા પરિમાણ શોધવાનું પસંદ કર્યું. તેણે ટીવી અને વેબ સીરીઝનો રાહ અપનાવ્યો અને તેના આગામી ત્રણ ડિજિટલ પ્રોજેક્ટ તેમજ તેની પ્રથમ પૂર્ણ થયેલી ટીવી સીરીઝ વિશે ઉત્સાહથી વાત કરી હતી. તેણે ગર્વભેર નોંધ કરી હતી કે લોકો હવે મને મારી ગ્લેમેરસ છબીથી આગળ જોઈ રહ્યા છે.
બિગ બોસ ૧૩માં તેનો અનુભવ ખાસ નોંધપાત્ર હતો. પોતાની ખરી પ્રતિભા દર્શાવવાની તક મળવાનું શ્રેય તેણે આ રિયાલિટી શોને આપ્યું. શેફાલીએ કહ્યું હતું કે મને પ્રસિદ્ધિ વહેલી મળી, પણ બિગ બોસે મને મારી અસલ કલા પ્રદર્શિત કરવાની તક આપી. એનાથી શેફાલીને તેનો આત્મવિશ્વાસ પાછો મળ્યો. આ શોની લોકપ્રિયતાને કારણે દર્શકોને તેના મનોરંજન કરનારા વ્યક્તિત્વથી અલગ પાસા જોવાની ફરજ પડી.
નમ્ર અને જાગૃતિ
શેફાલીનો વિકાસ માત્ર વ્યાવસાયિક નહોતો, તેણે પોતાના વ્યક્તિગત વિકાસ વિશે પણ ખુલીને વાત કરી. શેફાલીએ કહ્યું હતું કે તમામ પ્રત્યે પ્રતિસાદ આપવો જરૂરી નહોતો. આત્મ-નિયંત્રણ જ અસલ શક્તિ હોય છે. શેફાલીના આ શબ્દોમાં જીવનમાં વર્ષોના ઉતાર-ચઢાવ વચ્ચે વિકસેલી પરિપકવતાનું પ્રતિબિંબ પડે છે. શેફાલીએ કાયમ અંગત શાંતિ અને વ્યાવસાયિક પ્રેરણા વચ્ચેના સંતુલનને મહત્વ આપ્યું અને કહ્યું કે આ જ તેની સૌથી મોટી સિદ્ધિ હતી.
આધુનિક સેલિબ્રિટી કલ્ચરની ચર્ચા સમયે પણ તેની રમૂજવૃત્તિ અકબંધ રહી હતી. પાપારાઝી વિશે પૂછતા તેણે હસીને જણાવ્યું કે મને મારા શરીર અને ફેશન પર વિશ્વાસ છે. મને મારા પોતાના પ્રત્યે કોઈ સંશય નથી. જો કંઈ ખોટુ થશે તો મીડિયા આંખ આડા કાન કરશે તેની મને ખાતરી છે. શેફાલીના નિખાલસ, સંકોચરહિત અને નમ્ર અભિગમે તેને સુંસગત અને લોકપ્રિય બનાવી છે.
ઉમદા હેતુ
શેફાલીની સૌથી માર્મિક આકાંક્ષાઓ પૈકી એક હતી બાળકને દત્તક લેવાની, ખાસ કરીને કન્યાને દત્તક લેવાની તેની તીવ્ર ઈચ્છા હતા. શેફાલીના મતે તેની દત્તક લેવાની ઈચ્છા જરૂરીયાત નહિ પણ પ્રેમ હતો. શેફાલી કહે છે કે તેને નાનપણથી જ બાળક દત્તક લેવાની ઈચ્છા હતી.
જટિલ કાનૂની પ્રક્રિયા અને કોવિડ લોકડાઉનને કારણે થયેલા વિલંબ છતાં શેફાલી આ બાબતે આશાવાદી અને પ્રતિબદ્ધ રહી હતી. શેફાલીએ ત્યારે લાગણીવશ બનીને કહ્યું હતું કે છોકરાઓને તો ઘર સરળતાથી મળી રહે છે પણ મારે તો લક્ષ્મી ઘરે લાવવી હતી. શેફાલીએ માતૃત્વ દ્વારા પોતાના પિતા સાથે એક સુંદર સંબંધ રચવાનું સ્વપ્ન પણ જોયું હતું.
પરાગ ત્યાગી સાથે તેના લગ્નની પોતાની એક કહાની હતી. તેણે એક સમયે જાહેર કર્યું હતું કે દત્તક લેવા જેવા મહત્વના નિર્ણયને સમજવા અને સહમત થવા માટે સમય લાગે છે, ખાસ કરીને પરાગને આ વાત લાગુ પડતી હતી. તેને મારી લાગણી સમજવામાં સમયની જરૂરત હતી. જો કે બિગ બોસમાં તેના કાર્યકાળે ભાવિ માટે તેમના બંનેના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરવામાં સહાય કરી.
યોગા અને શિસ્ત સાથે આંતરિક સંઘર્ષ પર વિજય
શેફાલીની કહાની માત્ર સ્ટારડમ પૂરતી સીમિત નહોતી, પણ તે મેડિકલ વિપરીતતા પર વિજયની પણ વાર્તા હતી. ૨૦૨૧માં તેણે એક મુલાકાતમાં પોતે પંદર વર્ષની વયથી જ વાઈથી પીડાતી હોવાની જાહેરાત કરી હતી. પોતાને બીજી આંચકી ક્યારે આવશે તેની પણ તેને જાણ નહોતી. તેની આવી સ્થિતિને કારણે પોતાના ટોચના સમયે તેને કામ મળવામાં મુશ્કેલી નડી. એથી જ કાંટા લગાની સફળતા પછી પણ તેના ચાહકો તેને વધુ પ્રોજેક્ટોમાં જોઈ ન શક્યા.ૉ
જો કે પોતાની આવી સ્થિતિને યોગા અને માનસિક સ્વસ્થતા દ્વારા કુદરતી રીતે સંભાળવામાં સફળતા મેળવવા બદલ શેફાલીને ગર્વ હતો. શેફાલીએ એક સમયે કબૂલ કર્યું હતું કે યોગાએ મારા જીવનને બદલી નાખ્યું. તેનાથી મને શારીરિક અને આધ્યાત્મિક લાભ થયા. યોગાએ મારા મન, શરીર અને આત્માને એક સૂત્રમાં બાંધ્યા. શેફાલીએ યોગાથી વાઈની બીમારીમાં લાભ ઉપરાંત તેનાથી હતાશા, ગભરાટ અને તણાવમાં પણ લાભ થયો હોવાનું જણાવ્યું. શેફાલીએ કહ્યું હતું કે યોગાને કારણે જ તે વીસ વર્ષ સુધી વાઈના હુમલાથી મુક્ત રહી શકી.
શેફાલીની સારવારની પ્રક્રિયા અત્યંત અંગત હતી. નૃત્ય સંબંધિત ઈજાઓથી શરૂ થયેલી ફીઝીકલ થેરપી આધ્યાત્મિક શિષ્તમાં પરિવર્તિત થઈ. યોગા તેના માટે એક આધાર બની ગયો, સ્પષ્ટતા, શક્તિ અને સૌમ્યતાનો સ્રોત બની ગયો. શોર અને ગ્લેમરમાં ડૂબેલા ફિલ્મ ઉદ્યોગમાં તે માનસિક આરોગ્ય અને સર્વગ્રાહી સુખાકારીની બ્રાન્ડ એમ્બેસેડોર બની ગઈ.
જીવન હેતુપૂર્ણ બન્યું
શેફાલી જરીવાલાએ તેની વ્યાવસાયિક સફર ભલે પોપ મ્યુઝીક વીડિયોથી શરૂ કરી હોય, પણ તેણે એવો પથ અપનાવ્યો જે તેને આત્મ-નિરીક્ષણ, સાર્થકતા અને સમજદારી તરફ દોરી ગયો. પોતાની પ્રતિભા પર આત્મવિશ્વાસ રાખવાનો હોય, જટિલ ભૂમિકા નિભાવવાની હોય, દત્તક લઈને પુત્રી ઉછેરવાની હોય કે આરોગ્ય સાથેના લાંબા સંઘર્ષ પર વિજય મેળવવાનો હોય, શેફાલીએ તમામ કાર્યો શાલીનતાથી કર્યા.
શેફાલીના જ શબ્દોમાં કહીએ તો તમામ બાબતો ઝડપથી બને તે જરૂરી નથી. આનંદથી અને સભાનપણે જીવવું એ પણ ગર્વે લેવા જેવી બાબત છે. શેફાલીના અંતિમ વિચારો સૌમ્ય શક્તિ, સચેત જીવન અને ઉદારતાથી વહેંચાયેલા પ્રેમના વારસા તરીકે ગૂંજતા રહે છે.
શેફાલી માત્ર કાંટા લગા ગર્લ તરીકે યાદ નહિ રહે, પણ એક એવી મહિલા તરીકે સ્મરણમાં રહેશે જે વિકસી, સ્વસ્થ બની, સફળતાને વરી અને પ્રસિદ્ધ થઈ, જેમાં શોર નહોતો, તેની પ્રતિભાનું તેજ હતું.