
Adani: અદાણી લોજિસ્ટિક્સ અને ભારતીય રેલવેએ ગુજરાતમાં ઊંઝા ખાતે ભારતનું પ્રથમ E-CRT લોન્ચ કર્યું છે. ઊંઝા ખાતે ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT)ને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા થકી ઊંઝાથી મુન્દ્રા (375 કિમી) ખાતે સીધી શિપિંગ લાઇન બોક્સ ઉપલબ્ધ થયું છે. તેનાથી ખેડૂતો અને વેપારીઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમના ઉત્પાદનોને ઝડપથી પહોંચાડી શકશે.
ઉત્પાદનોની ઝડપી નિકાસ માટે ખાસ સુવિધા
કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે સંયુક્ત રીતે આ ટર્મિનલ પરથી પ્રથમ કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. જીરું, ઇસબગુલ અને અન્ય મસાલાથી ભરેલી કન્ટેનર ટ્રેનને મુદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. નવા સીમલેસ લોજિસ્ટીક્સ સોલ્યુશનથી પરિવહન સમય અને ખર્ચમાં ઘટાડાની સાથો-સાથ સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બનશે.
આ નવતર લોજિસ્ટીક્સ સુવિધા થકી રોજગાર સર્જનની તકો વધવાની સાથે ઊંઝાના વિકાસને વેગ મળશે. વળી ઓછા ખર્ચે વધુ માલ નિકાસ કરી શકાશે. પરિવહન ગતિવિધિઓમાં સુસંગતતા હોવાથી વિદેશી ખરીદદારોને વધુ સારી સવલતો અને ઉકેલો મળશે. એટલું જ નહીં, રેલવેનો ઉપયોગ થવાથી પર્યાવરણમાં કાર્બન ફૂટપ્રિન્ટમાં પણ ઘટાડો થશે.
વેપારીઓ માલ પરિવહન માટે રેલવે રેક, સાધનો, બંદર, એક્ઝિમ યાર્ડ વગેરેની સેવાઓ અદાણી લોજિસ્ટિક્સ થકી લઈ શકાશે. ઊંઝાથી કૃષિ ચીજવસ્તુઓ જેવી કે આખા મસાલા, દળેલા મસાલા, એરંડા, તેલીબિયાં (જીરું, વરિયાળી, તલ, સિલિયમ કુશ્કી, વગેરે) ભારે પ્રમાણમાં નિકાસ થાય છે. આ સુવિધાની સફળતા બાદ ભવિષ્યમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને કોલકાતામાં પણ પરિવહનની શક્યતાઓ વધુ ખુલશે.
E-CRTની આ સિદ્ધિ ગુજરાતની કૃષિ અને આર્થિક પ્રગતિ સહિત સામલેસ લોજિસ્ટીક્સ સોલ્યુશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અત્યાર સુધી ઊંઝાથી માલ પરિવહન મુખ્યત્વે રોડ નેટવર્ક આધારિત હતું. આ નવતર પહેલથી માલ પરિવહનમાં નોંધપાત્ર બદલાવ થયો છે. તેનાથી પરિવહન કાર્યક્ષમતામાં વધારો, વહન ખર્ચમાં ઘટાડો અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન મળશે.