
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એ સમયે અફરા-તફરી મચી ગઈ જ્યારે ઉત્તર પ્રદેશની 34 વર્ષીય એક મહિલાએ પોતાની કાર રેલવે ટ્રેક પર દોડાવી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારી ઘટના શંકરપલ્લી સ્ટેશન પાસે બની હતી. વાયરલ વીડિયોમાં મહિલાની SUV રેલવે ટ્રેક પર ઝડપથી દોડતી જોઈ શકાય છે. રેલવે કર્મચારી, સ્થાનિક લોકો અને પોલીસ મહિલાને કારમાંથી કાઢવાનો પ્રયાસ કરતા વીડિયોમાં જોઈ શકાય છે. જ્યારે એકઠી થયેલી ભીડે મહિલાને કારમાંથી બહાર કાઢીને હાથ બાંધ્યા તો તે ચીસ પાડીને હાથ ખોલવા માટે કહી રહી છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, લગભગ 20 લોકોની મદદથી મહિલાને બહાર કાઢવામાં આવી. તે બિલકુલ પણ સહયોગ નહોતી આપી રહી અને ખૂબ જ આક્રમક હતી. રેલવે પોલીસના એસપી ચંદના દિપ્તિએ જણાવ્યું કે, મહિલા માનસિક રીતે અસ્થિર લાગી રહી હતી.
https://twitter.com/PTI_News/status/1938159254265073848
પોલીસે તપાસ હાથ ધરી
તેમણે કહ્યું કે, 'પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલા હાલમાં જ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી અને ઉત્તર પ્રદેશની રહેવાસી છે. અમે એ તપાસ કરી રહ્યા છીએ કે શું તે આત્મહત્યાનો પ્રયાસ હતો જેને તે હત્યાનું રૂપ આપવા માગતી હતી.'
15 ટ્રેનોનો રૂટ બદલવો પડ્યો
મહિલાના આ કાંડ બાદ 10થી 15 ટ્રેનો પ્રભાવિત થઈ છે. તેના રૂટ બદલવા પડ્યા. બેંગ્લોર-હૈદરાબાદ એક્સપ્રેસ પણ તેમાં સામેલ છે. આ ટ્રેનોને સુરક્ષાના કારણોસર આ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી. થોડા સમય માટે રેલવે ટ્રેક સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો.
મહિલાની કારમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ અને પાન કાર્ડ મળી આવ્યું છે, જેનાથી તેની ઓળખની પુષ્ટિ થઈ. હાલમાં મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.