
રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસે ફરી માથું ઊંચકતા લોકોમાં ભયનો માહોલ છે. અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તો કોવિડને લીધે દર્દીના મોત પણ નિપજ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નજીવા ઘટાડા સાથે 203 કેસ નોંધાયા છે. ગત બે દિવસની સરખામણીમાં આજે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી.
દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,815ને પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં બુધવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1281 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1258 દર્દી OPD બેઝ સારવારમાં છે. આ સિવાય 149 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. જ્યારે છેલ્લા બે દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો.