
સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) પોતાની ફિલ્મ 'સિતારે ઝમીન પર' (Sitare Zameen Par) થી વાપસી કરી રહ્યો છે, જેના માટે તે ખૂબ ઉત્સાહિત પણ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરને ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી આમિર (Aamir Khan) ની પહેલાની ફિલ્મોની જેમ જ ઘણી અલગ છે. આ તેની હિટ ફિલ્મ 'તારે ઝમીન પર' ની સ્પિરિચુઅલ સીક્વલ છે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ ખબર હાલ સામે આવી છે.
'સિતારે જમીન પર' માં આમિર ખાનની માતાનું ડેબ્યુ
શુક્રવારે મુંબઈમાં આમિર ખાન (Aamir Khan) એ મીડિયા સાથે વાતચીત દરમિયાન પોતાની ફિલ્મ સાથે જોડાયેલી અમુક કહાણી પણ શેર કરી છે. જેમાં તેણે કહ્યું કે, આ ફિલ્મમાં તેના માતા ઝીનત હુસૈન એક્ટિંગ ડેબ્યુ કરવાના છે. આ સાથે જ તે પહેલીવાર પોતાની બહેન નિખત ખાન સાથે સ્ક્રીન શેર કરશે.
આમિર ખાને જણાવ્યું કે, "આ તક મારા માટે ખૂબ જ ખાસ છે. મારી માતા અચાનક ફિલ્મ સાથે જોડાયા. તેમનો પ્લાન નહતો કે, તેઓ ફિલ્મમાં એક્ટિંગ કરશે. પરંતુ, ડાયરેક્ટરના કહેવા પર આ શક્ય બન્યું. સામાન્ય રીતે મારા અમ્મી મને નથી કહેતા કે તેમને મારી ફિલ્મના શૂટિંગ પર આવવું છે. મને નહતી ખબર કે આવું કેમ થયું પરંતુ, એક દિવસ અચાનક સવારે જ્યારે અમે ફિલ્મનું ગીત શૂટ કરી રહ્યા હતા, ત્યારે અમ્મીએ મને કોલ કરીને પૂછ્યું કે, તમે ક્યાં શૂટ કરી રહ્યા છો? આજે મારે પણ શૂટિંગ પર આવવું છે. મેં કહ્યું કે, આવી જાવ મેં ગાડી પણ મોકલી અને બહેનને કહ્યું કે, તમે તેમને સેટ પર લેતા આવો."
તેણે આગળ કહ્યું, "બાદમાં અમ્મી વ્હીલચેર પર આવ્યા હતા. અમે એક હેપ્પી વેડિંગ ગીત શૂટ કરી રહ્યા હતા, જેમાં અમને બહુ મજા આવી રહી હતી અને તેઓ અમને જોઈ રહ્યા હતા. એટલામાં ડાયરેક્ટર પ્રસન્ના મારી પાસે આવ્યા અને કહ્યું કે, જો તને ખોટું ન લાગે તો તું અમ્મીને આ ફિલ્મના ગીતમાં આવવા માટે વિનંતી કરી શકે? આ ફિલ્મનું છેલ્લું ગીત છે, વેડિંગ સેલિબ્રેશન છે. તેઓ અમારા મહેમાન બની શકે છે. આ મારા માટે એક ઈમોશનલ વાત છે અને હું તેમને ફિલ્મનો ભાગ બનાવવા ઈચ્છું છું."
ફિલ્મના ગીતમાં આમિરની માતા મહેમાન ભૂમિકા ભજવશે
આ વિશે વધુ વાત કરતા આમિર ખાને કહ્યં કે, "ડાયરેક્ટરની વાત સાંભળીને હું થોડો ડરી ગયો હતો. હું મારી માતાને મહેમાન ભૂમિકા ભજવવા માટે વિનંતી કરતા ગભરાઈ ગયો હતો, કારણ કે મને એવું લાગતું હતું કે તેઓ ના પાડી દેશે. પ્રસન્નાએ મને વારંવાર અમ્મીને પૂછવા માટે વિનંતી કરી. ત્યારબાદ મેં અમ્મીને પૂછ્યું, અમ્મી, પ્રસન્ના તમને મહેમાન ભૂમિકા ભજવવા માટે વિનંતી કરે છે. તેમણે જવાબ આપ્યો, હા, ઠીક છે. તે સાંભળીને હું ચોંકી ગયો. આમ ફિલ્મમાં મારી અમ્મી એક કે બે શોટમાં છે. આ મારી એકમાત્ર ફિલ્મ છે જેમાં તેમણે ભાગ લીધો છે. આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. મને ખબર નથી કે તેમના મનમાં શું આવ્યું. અમારી ફિલ્મ રિલીઝ થવાના એક અઠવાડિયા પહેલા, 13 જૂને અમ્મી 91 વર્ષના થશે."