
Gujarat Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ગુજરાતમાં બે સ્થળે ગંભીર અકસ્માત સર્જાયા હતા જેમાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં બાઈક ચાલકે કાબુ ગુમાવતા એકનું મોત
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રિવરફ્રન્ટ પરથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બાઇક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્પેશ મઢવી નામના 36 વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું. બાઈકનું બેલેન્સ ગુમાવતા ઇલેક્ટ્રિક લાઇટ થાંભલા સાથે ટકરાયા હતા. બાઇક પાછળ બેઠેલા પ્રકાશ પરમાર નામના વ્યક્તિને ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દાહોદમાં રેતી ભરેલી ટ્રકે અકસ્માત સજર્તા બે માસુમે પોતાનો જીવ ગુમાવ્યો
દેવગઢ બારીયા નજીક આકલી ગામ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. તગારા વેચી પરત ફરી રહેલી મોટરસાયકલને રેતી ભરેલા ટાટા ડમ્પરે ટક્કર મારી કચડી નાખ્યો હતો. જેમાં 30 વર્ષીય નંદાનાથ કાલુનાથ જોગી અને 18 વર્ષીય પાર્વતી કાનાનાથ જોગીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. તેમજ 23 વર્ષીય આરતી નંદાનાથ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત સર્જીને ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તેમજ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.