ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક નેશનલ હાઇવે નં.64 પર આવેલ ખાડી બ્રિજ હાલ એટલો જર્જરિત સ્થિતિમાં છે કે વાહન ચાલકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. બ્રિજની હાલત જોઈને એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તકેદારી આયોગ દ્વારા વર્ષ 2022માં તકલાદી ગુણવત્તા અંગે કડક સૂચનાઓ આપી હતી અને નાગરિકોને એફઆઈઆર કરવા સુધીની સૂચના આપવામાં આવી હતી. છતાં, આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. બ્રિજની હાલની સ્થિતિ તંત્રની કુંભકર્ણ નિંદ્રાને દાખલ કરે છે.
નાહિયેર બ્રિજની અવગણના
ભરૂચ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાલ ઢાઢર નદીના બ્રિજનું રોજિંદું નિરીક્ષણ કરી રહ્યા છે અને ત્યાં કામગીરી પણ ચાલી રહી છે. તેમ છતાં, તેમના માર્ગમાં આવતા નાહિયેર બ્રિજ તરફ નજર ન પડે એવી બેદરકારી વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બની રહી છે.વિસ્તારના નાગરિકો અને વાહન ચાલકો સતત તંત્ર અને સરકારને અપીલ કરી રહ્યા છે કે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે. તેમનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો કોઈ મોટો અકસ્માત બને એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
ગંભીરા બ્રિજ ઘટના ભૂલાઈ ગઈ ?
મુજપુર ખાતે બનેલી દુઃખદ ઘટનાની પાછળ સરકારે રાજ્યભરમાં બ્રિજ ચકાસણીની જાહેરાત કરી હતી, પરંતુ તેમ છતાં નાહિયેર પુલ જેવી સ્થળોએ હજુ પણ પૂરતી ગંભીરતા દેખાવામાં નથી આવી.વિસ્તારના નાગરિકો સરકાર અને તંત્રની જમાવટ પર પ્રશ્નો ઊઠાવી રહ્યા છે — શું સરકાર માત્ર દુર્ઘટના બાદ જ પ્રવૃત્ત થશે? જો કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ ગણાશે? તાત્કાલિક પગલાં ન લેવાય તો નાહિયેર પુલ અકસ્માતની આગાહી સમાન છે. તંત્રએ સમય ગુમાવ્યા વિના સમારકામ શરૂ કરાવવું ખૂબ જરૂરી છે.