
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં 45 બાચકા જીરુંની આવક થઈ છે. આજ રોજ ખેડૂતોને 2500થી લઈને 3900 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જે ગત વર્ષે 15 ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધીમાં જીરુંની આવક 1,46 , 520 મણ થઈ હતી. ગતવર્ષે સરેરાશ ભાવ 3000થી 6200 રૂપિયા સુધીના ભાવ પ્રતિમણ ખેડૂતોને મળતા હતા. આ વર્ષે 15 ફેબ્રુઆરીથી 2025થી સાત માર્ચ સુધીની કુલ આવક 62,320 મણ થઈ છે અને આ વર્ષે સરેરાશ ભાવ 2900થી 3100 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગત વર્ષે સૌથી વધુ ભાવ ખેડૂતોને હરાજીમાં મળ્યા હતા
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ ખેડૂતોને ગત વર્ષે મળ્યા હતા. પરંતુ આ વર્ષે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે કારણ કે, આ વર્ષે વાતાવરણ અનુકૂળ રહેવાના કારણે જીરાનું ઉત્પાદન વધુ થયું છે જેથી તેની માંગ ઘટી છે. જેના કારણે જીરુંના 3100 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. 2000થી 25૦૦ પ્રતિમણ સુધીના ભાવ નબળી ગુણવતા વાળા જીરુના તો 2900થી 31૦૦ સુધીના ભાવ સારી ગુણવત્તા વાળા જીરૂના યાર્ડમાં મળી રહ્યા છે. ગત વર્ષનું જૂનું જીરું જે ખેડૂતો પાસે છે તેઓને પણ ખૂબ જ ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ગત વર્ષે ડિસેમ્બર માસમાં જીરુ ૫૫૦૦થી ૬૫૦૦ રૂપિયામાં પ્રતિમણ વેચાણ થતું હતું. એજ જીરું આ વર્ષે ૩૦૦૦થી ૩૫૦૦ સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષે જૂનું જીરું જે ખેડૂતો ૬૨૦૦માં વહેંચતા હતા એ જ જીરું આ વર્ષે ૩૦૦૦માં ખેડૂતો વહેંચી રહ્યા છે. આ વર્ષે જીરુંનું ઉત્પાદન વધુ થવાના કારણે જીરુંની નિકાસ પણ ઓછી શકે છે તેવી વેપારીઓએ શક્યતા દર્શાવી છે.
ગયા વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને જીરૂના ભાવ અડધાથી પણ ઓછા થઈ ગયા છે...ઉત્પાદન વધુ થવાના કારણે જીરુંના ભાવ નબળા મળી રહ્યા છે જેના કારણે જગતનો તાત માથે ઓઢીને રડી રહ્યો છે. એક તરફ ખાતર બિયારણ તેમજ મજૂરી સહિતના ખર્ચ પણ ખેડૂતોને આ ભાવમાં પોષાતા ન હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ઉત્પાદન સારું થાય તો પણ ખેડૂતોને હાલ રાતે પાણીએ રડવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.