ફાગણી પુનમે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે. ત્યારે પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે. ડાકોર જતા માર્ગો પર ભક્તોનો પ્રવાહ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યો છે. ફાગણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવાનો વિશેષ મહિમા છે.ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે.
પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ
મોટી પૂનમ હોવા સાથે જ ભગવાન ભાવિકો સાથે હોળી રમે છે. ભગવાન પાંચ વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે. જેને લઈ વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે. ડાકોર તરફ જતા પદયાત્રાઓની સેવા અને સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જ્યાં પદયાત્રીઓેને સતત સેવા આપવામાં આવી રહી છે.આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓને ચા,પાણી,નાસ્તો,ભોજન અને રહેવા સહિત વિસામાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કેમ્પ તેમજ પોલિસ વિભાગ દ્વારા પોલિસ સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે.
મદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ફાગણી પૂનમનો મેળાને લઈ લાખો ભાવિકો ડાકોર ઉમટવાના છે. જેને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય તેમજ વ્યવસ્થા જળવાય તે માટે ટેમ્પલ કમિટી તેમજ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ટેમ્પલ કમિટિ દ્વારા મંદિરને આકર્ષક રોશનીથી શણગારાયુ છે. તાપથી બચવા મંદિર પરિસરમાં પડદા લગાવાયા છે. મંદિર પરિસરમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા,આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. તેમજ સારી રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર પરિસરમાં પરિક્રમા બંધ રાખી છે તેમજ સલામતી માટે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રંગબેરંગી લાઈટોથી મંદિર જગમગી ઉઠ્યું
સાથે જ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવનો દબદબાભેર પ્રારંભ સાથે ડાકોર રણછોડરાય મંદિરનો અદભુત નજારો જોવા મળ્યો છે. પૂનમ નિમિતે ડાકોર મંદિરમાં અનોખી રોશનીનો ઝગમગાટ કરાયો છે. મંદિરમાં 50થી વધુ સાર્ફિં લાઈટો અને 200થી વધુ પાર્લ લાઈટો લગાવાઈ છે. હોળી પૂનમ ઉત્સવની ભવ્ય શરૂઆત યાત્રાધામ ડાકોરમાં થઈ ત્યારે ડાકોર રણછોડજી મંદિરમાં 50થી વધુ સાર્ફિ લાઈટો અને 200થી વધુ પાર્લ લાઈટોથી રોશની જગમગી ઉઠ્યું.