
પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમનું નિર્માણ થયાના 45 વર્ષ બાદ ડેમની સુરક્ષાને ધ્યાને લઇ પ્રથમવાર ડેમના તમામ 10 દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ડેમનો એક દરવાજો ખોલીને નવો દરવાજો બેસાડવામાં એકથી દોઢ મહિના જેટલો સમય લાગશે.
પંચમહાલ અને મહીસાગર જિલ્લાની સરહદોને જોડતા કેળડેઝર ગામની નજીક વર્ષ-1972-77 દરમ્યાન પાનમ નદી પર પાનમ ડેમનું બાંધકામ શરૂ કરાયું હતું. પાનમ ડેમ બનીને તૈયાર થઈ ગયા બાદ તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંદાજીત 45 વર્ષના લાંબા સમયગાળા પછી પ્રથમવાર પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના તમામ 10 ગેટ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જળાશય સુરક્ષા અંતર્ગત ડેમની સુરક્ષાને ધ્યાને લઇ પાનમ યોજનાના યાંત્રિક વિભાગ દ્વારા રૂપિયા છ કરોડથી વધુનો ખર્ચ કરીને 14.93 મીટર પહોળાઈ અને 11.28 મીટર ઊંચાઈ ધરાવતા ડેમના 10 જૂના રેડિયલ દરવાજા બદલી નવા દરવાજા બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,જેમાં એક દરવાજાને બદલવા માટે એકથી દોઢ માસનો સમય લાગશે ત્યારે ડેમના તમામ દરવાજા બદલવાની કામગીરી આગામી બે વર્ષથી વધુના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે.
127.41 મીટરની ભયજનક સપાટી ધરાવતા પાનમ ડેમમાંથી 36405 હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનું પાણી તથા જૂથ પાણી પુરવઠા યોજના મારફતે 137 જેટલા ગામોને પીવાનું પાણી તથા પંચમહલ ડેરીને પાણી પહોંચાડવામાં આવે છે.