
Dhoraji news: રાજકોટ ગ્રામ્ય ધોરાજી તાલુકાના તોરણિયા ગામની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. સતત ત્રણ દિવસથી ધોરાજી પોલીસ દ્વારા સરપંચના ધોરાજી સ્થિત મકાનને બાનમાં લીધું હતું. જેમાં રાજકોટ ગ્રામ્ય ધોરાજી પોલીસ દ્વારા ટોર્ચિંગ અને દાદાગીરીના આક્ષેપ થયા હતા.
ધોરાજી તાલુકાના તોરણિયા ગામના પિતા-પુત્રને જેતપુર તાલુકા પોલીસ દ્વારા રૂપિયા ન અપાતા માર મારવાના આક્ષેપો થયા હતા. કોર્ટ દ્વારા ગઈકાલે સરપંચના જામીન પણ રદ કરવામાં આવ્યા હતા.
ગત મહિનાની 24 તારીખે ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં સરપંચ અને ગ્રામજનો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું. જેથી પોલીસે 7 જેટલા લોકો પર ફરજમાં રુકાવટનો ગુનો નોંધ્યો હતો જેમાં સરપંચ અને સભ્ય પર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, સરપંચ દ્વારા પોલીસ પર આ મુદ્દે ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આજે સરપંચના ઘરથી ધોરાજી કોર્ટ સુધી મહિલાઓની વચ્ચે સરપંચ કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ સરપંચ કોર્ટમાં હાજર થયા હતા. ધોરાજી કોર્ટમાં હાલ આ બાબતે સુનવણી ચાલુ થઈ છે. જેથી કોર્ટ દ્વારા આજે ચુકાદો આવે છે તેની પર સૌ લોકોની નજર છે.