
વરસાદી માહોલમાં કરંટ લાગવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે સુરતના પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં કપડાં સૂકવવાના લોખંડના તારમાંથી કરંટ લાગ્યો હતો. જેથી માતાની નજર સામે જ પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું.
પત્નીને બચાવવા જતાં પતિનું મોત
મળતી વિગતો પ્રમાણે, વિભૂતિબેન પટેલ ઘરની બહાર કપડાં સૂકવવાના તાર પાસે ગયા હતા. કપડાં લેવા જતાં તેમને કરંટ લાગ્યો હતો. તેઓ જમીન પર પડી ગયા. તેમની માતા પુષ્પાબેને તેમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિભૂતિબેન પ્રતિસાદ આપી શક્યા નહીં. ત્યાર બાદ વિભૂતિબેનના પતિ પ્રતિકભાઈ પટેલ પત્નીને બચાવવા ગયા હતાં. પરંતુ તેમને પણ કરંટ લાગ્યો અને તેઓ પણ જમીન પર પડી ગયા હતાં.
તબીબોએ મૃત જાહેર કર્યા
પુષ્પાબેને લાકડાના ડંડા વડે વાયરને દૂર કર્યા અને બંનેને તાત્કાલિક સરદાર સ્મારક હોસ્પિટલ લઈ ગયા હતાં. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે બંનેને તપાસીને મૃત જાહેર કર્યા. મૃતક દંપતી અમલસાડી ગામના પટેલ ફળિયામાં રહેતા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.