
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMSએ કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે COVID-19 પછી યુવાનોને અચાનક હાર્ટએટેક આવતા તેનો કોરોના રસી સાથે કોઈ સંબંધ નથી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે યુવાનોમાં હાર્ટ એટેક અને કોરોના રસી વચ્ચે કોઈ સંબંધ નથી. મંત્રાલયનું કહેવું છે કે ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી.
આ અભ્યાસ મે અને ઓગસ્ટ 2023 દરમિયાન દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ એવા લોકો પર કરવામાં આવ્યો હતો જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા પરંતુ ઓક્ટોબર 2021 થી માર્ચ 2023 વચ્ચે અચાનક તેમનું મૃત્યુ થયું હતું. અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે કોરોના રસીને કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું નથી.યુવાનોના અચાનક મૃત્યુ સાથે કોરોના રસીનો કોઈ સંબંધ નથી. નોંધનીય છે કે, આ અભ્યાસ એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુના કેસો વધ્યા છે. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ આ અચાનક મૃત્યુ પાછળના કારણને સમજવા માટે કામ કરી રહ્યા છે. આ અભ્યાસમાં, જીવનશૈલી અને ભૂતકાળમાં રહેલી બીમારીઓને અચાનક મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે.
સિદ્ધારમૈયાના નિવેદનના બાદ આ અભ્યાસ જાહેર કરવામાં આવ્યો
ICMR અને AIIMSનો આ અભ્યાસ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવેદનના એક દિવસ પછી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના રસીની ઉતાવળમાં મંજૂરી અને વિતરણ, રાજ્યમાં યુવાનોના અચાનક મૃત્યુનું કારણ હોઈ શકે છે. તેમણે કોરોના રસીની સંભવિત આડઅસરોનો અભ્યાસ કરવા માટે એક પેનલની રચનાની પણ જાહેરાત કરી.