
કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ હવે પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 જેટલા કોંગ્રેસ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, મુકુલ વાસનિક, જગદીશ ઠાકોર, ગેની ઠાકોર, પરેશ ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જીગ્નેશ મેવાણી, અમિબેન જ્ઞાનિક, લાલજી દેસાઇ, મધુસુદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, બળદેવજી ઠાકોર અને લલિત વસોયા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોણ છે નીતિન રાણપરિયા?
નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, આ સિવાય વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી છે. નીતિન રાણપરિયાને પહેલીવાર કોંગ્રેસે વિધાનસભા બેઠકની ટિકિટ આપી છે. તેઓ વિધાનસભાની પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસના લેટરહેડ ઉપર સ્ટાર પ્રચારકોના નામ જાહેર થયા છે. આ યાદી 2 જૂનના રોજ તૈયાર થઈ હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા છેક 7 તારીખે જાહેર કરવામાં આવ્યો છે. 2 તારીખે યાદીનો લેટર થયા પછી પણ આટલા દિવસે કેમ જાહેર થયો તે પણ આશ્ચર્ય છે.
કડી અને વિસાવદરમાં કઈ તારીખે યોજાશે પેટા ચૂંટણી?
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.