
Sabarkantha news: સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી મેઘમહેર યથાવત્ રહી હતી. જેના લીધે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો ક્યાંક વીજળી પડવાના બનાવ પણ બનવા પામ્યા હતા.આવી જ એક ઘટના તલોદ તાલુકાના દેવિયા આંત્રોલી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં લીમડાના વૃક્ષ પર વીજળી પડી હતી. જેથી આ વૃક્ષ આખું ચિરાઈ ગયું હતું. જેના લીધે આસપાસના લોકો અને ખેતરમાં કામ કરતા મજૂરોમાં ભયનો માહોલ છવાયો હતો. ખેતરમાં આવેલા વૃક્ષ પર વીજળી પડતા એક સ્થાનિક યુવાને વીજળી પડવાની ઘટનાને મોબાઈલના કેમેરામાં કંડારી લીધી હતી.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ છે. વીજળીના કડાકા અને મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ઘણા સ્થળે વીજળી પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ વખતે તલોદ તાલુકામાં આવેલા દેવિયા આંત્રોલી ગામની સીમમાં વરસાદ બાદ વીજળી ત્રાટકી હતી. કડાકાગાજવીજ સાથે વીજળી થતા અચાનક ખેતરમાં વીજળી પડતા સ્થાનિકોમાં ભય છવાયો હતો. જો કે, આવી રીતે વીજળી પડવાની જિલ્લામાં પહેલી ઘટના સામે આવી હતી. ખેતરમાં ઊભા લીમડાના ઝાડ ઉપર વીજળી પડતા ઝાડને ભારે નુકસાન. થવા પામ્યું હતું. ખેતરમાં દૂર-દૂર સુધી લીમડાના ઝાડના છોતરાં પડયાં હતાં. આ સમગ્ર ઘટના ગામના સ્થાનિક યુવાને વીડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.