
Panchmahal News: પંચમહાલ જિલ્લામાંથી વિરોધ પક્ષના નેતાને તડીપાર કરવાનો મામલો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા છે. શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીને બે વર્ષ માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની હદમાંથી તડીપાર કરાયા છે.
2023થી 2025 દરમ્યાન 10 ગુનાઓ નોંધાયેલા હતા
શહેરા પ્રાંત અધિકારી દ્વારા તડીપાર કરવાનો હુકમ કરાયો હતો. કોંગ્રેસના જે.બી.સોલંકી સામે વર્ષ 2023થી 2025 દરમ્યાન 10 ગુનાઓ નોંધાયેલા હોવાથી તેમજ તેઓ દ્વારા ગાંધીનગર ખાતે ઓળખાણ હોય તેમ જણાવી નોકરી અપાવવાના બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવવા તેમજ સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદો નોંધાઈ હતી.
જે.બી.સોલંકી દ્વારા શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જોખમાય તે પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોવાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા તડીપાર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. શહેરા પ્રાંત અધિકારી દ્વારા દરખાસ્ત અનુસંધાને જે.બી.સોલંકીને તેમનો પક્ષ મુકવાની તક આપ્યા બાદ 2 વર્ષ માટે તડીપાર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.