
IPL 2025ના ક્વોલિફાયર-2માં, પંજાબ કિંગ્સ (PBKS) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 5 વિકેટથી હરાવ્યું અને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું, જ્યાં તેનો સામનો RCB સાથે થશે. મેચમાં પહેલા બેટિંગ કરતા, મુંબઈએ 203 રન બનાવ્યા, ત્યારબાદ PBKSએ શ્રેયસ અય્યરની અડધી સદીને કારણે સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો. તેના સિવાય, નેહલ વઢેરાએ પણ મેચમાં જોરદાર બેટિંગ કરી હતી.
શ્રેયસ અય્યરે IPLમાં રચ્યો ઈતિહાસ
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં, PBKSની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. હવે ટીમ તેની કેપ્ટનશિપમાં ફાઈનલમાં પહોંચી છે. અગાઉ, અય્યરની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ IPL 2020માં અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2024માં ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. અય્યર IPLમાં ત્રણ અલગ અલગ ટીમોને ફાઈનલમાં પહોંચાડનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. તેની પહેલા કોઈ આવું નથી કરી શક્યું.
શ્રેયસ અય્યરે જોરદાર અડધી સદી ફટકારી
પ્રભસિમરન સિંહ (6 રન) ભલે PBKSની ટીમ માટે મોટી ઈનિંગ ન રમી શક્યો હોય, પરંતુ તેના સિવાય જોસ ઈંગ્લિશ, શ્રેયસ અય્યર અને નેહલ વઢેરાએ સારી બેટિંગ કરી હતી. ઈંગ્લિશે ઘાતક બોલર જસપ્રીત બુમરાહની એક ઓવરમાં 20 રન બનાવ્યા હતા. તેણે મેચમાં કુલ 38 રનનું યોગદાન આપ્યું હતું. વઢેરાએ 29 બોલમાં 48 રનની ઈનિંગ રમી હતી. તેણે PBKSની ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડી. શ્રેયસ અય્યર ક્રીઝના એક છેડે ટકી રહ્યો હતો. તેણે 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અય્યરે 41 બોલમાં 87 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. MIના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા. અશ્વિની કુમારે ટીમ માટે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
સૂર્યાના કારણે મુંબઈએ 200થી વધુનો સ્કોર બનાવ્યો
MIની ટીમ માટે શરૂઆત સારી નહતી રહી, રોહિત શર્મા ફક્ત 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, જોની બેરસ્ટો (38 રન) અને તિલક વર્માએ થોડા સમય માટે વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો અને 51 રનની પાર્ટનરશિપ કરી. બેરસ્ટોના આઉટ થયા પછી, સૂર્યકુમાર યાદવે રન બનાવવાની જવાબદારી લીધી. તેણે 26 બોલમાં 44 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તિલક વર્માએ પણ 44 રન બનાવ્યા. અંતે, નમન ધીરે 37 રન બનાવ્યા. આ ખેલાડીઓના કારણે જ મુંબઈની ટીમ 200 રનનો સ્કોર પાર કરી શકી હતી.