
IPLની 18મી સિઝનની પહેલી ક્વોલિફાયર મેચ મુલ્લાનપુરના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમ વચ્ચે રમાઈ હતી. RCBની ટીમે આ મેચ એકતરફી 8 વિકેટથી જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આખી મેચમાં RCBનો દબદબો રહ્યો હતો, જેમાં પહેલા તેના બોલરોએ PBKSની ટીમને માત્ર 101 રનમાં ઓલઆઉટ કરી દીધી, ત્યારબાદ બેટ્સમેનોએ 10 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો. PBKS ટીમ માટે, આ IPLમાં અત્યાર સુધીની તેની સૌથી શરમજનક હારમાંથી એક છે, જેના કારણે ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે પણ મેચ પછી સ્પષ્ટપણે નિરાશ દેખાતો હતો.
'આ અમારા માટે ભૂલવાનો દિવસ નથી'
RCB સામે ક્વોલિફાયર-1માં શરમજનક હાર બાદ શ્રેયસ અય્યરે પોતાના નિવેદનમાં કહ્યું કે, "આ અમારા માટે ભૂલી જવાનો દિવસ નથી, પરંતુ અમારે ડ્રોઈંગ બોર્ડ પર પાછા જવું પડશે. બેટિંગ કરતી વખતે અમે શરૂઆતમાં ઘણી વિકેટ ગુમાવી દીધી. અમારે પાછા ફરીને બધું સમજવું પડશે. સાચું કહું તો, મને મારા નિર્ણયો પર શંકા નથી. મેદાનની બહાર અમે જે પણ આયોજન કર્યું, મને લાગે છે કે તે યોગ્ય હતું. અમે મેદાન પર તેનો અમલ કરવામાં સફળ ન થઈ શક્યા."
'અમે લડાઈ હાર્યા છીએ, જંગ નહીં'
ક્વોલિફાયર-1 મેચમાં મળેલી હાર અંગે, શ્રેયસ અય્યરે પોતાના નિવેદનમાં બોલરોનો બચાવ પણ કર્યો, તેણે કહ્યું કે, "અમે બોલરોનેદોષી ન ઠેરવી શકીએ કારણ કે બચાવ કરવા માટે સ્કોર ખૂબ ઓછો હતો. અમારે અમારી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અમને અત્યાર સુધી અહીં રમાયેલી બધી મેચોમાં એક અલગ બાઉન્સ જોવા મળ્યો છે. અમે આને હારનું કારણ નથી કહી શકતા કારણ કે અમે પ્રોફેશનલ ક્રિકેટરો છીએ અને અમારે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરવી પડે છે. અમે લડાઈ હારી ગયા છીએ, પણ જંગ નહીં.
પંજાબ પાસે હજુ પણ ફાઈનલમાં પહોંચવાની બીજી તક છે
PBKSની ટીમ પાસે હજુ પણ ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાની બીજી તક હશે. હવે PBKSનો મુકાબલો 1 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેના એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે.