
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ આજે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કારની સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને તેમના દર્શન માટે મોટી સંખ્યામાં આગેવાનો અને સમર્થકો ઉમટી પડવાની શક્યતા છે.આજે તેમનો અંતિમ સંસ્કાર રામનાથ પરા સ્મશાન ખાતે કરવામાં આવશે.
વિજય રૂપાણીના મૃત્યુ બાદ તેમના પાર્થિવદેહના DNA રિપોર્ટ માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે રિપોર્ટ મળ્યા બાદ પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવશે.રાજકોટની પ્રકાશ સોસાયટી ખાતે આવેલા તેમના નિવાસસ્થાનના દરવાજા આજે વહેલી સવારે ખોલવામાં આવ્યા. અહીં તેમના અંતિમ દર્શન માટે ભાજપના નેતાઓ કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડીયા સહિત અનેક અગ્રણીઓ પહોંચ્યા હતા. તેમના પાત્રને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે જનતામાં પણ ભાવુકતા જોવા મળી રહી છે.
પાર્થિવદેહ લાવવાનો રૂટ જાહેર
વિજય રૂપાણીનો પાર્થિવદેહ આજે અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે. રાજકોટ શહેરમાં અંદર લાવવાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે:
ગ્રીનલેન્ડ ચોકડી → કુવાડવા રોડ → હોસ્પિટલ ચોક → ચૌધરી હાઈસ્કૂલ → રૈયા રોડ → હનુમાન મઢી → પ્રકાશ સોસાયટી આ માર્ગે પાર્થિવદેહને લાવવામાં આવીને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે જાહેરમાં મુકવામાં આવશે.
અંતિમ યાત્રાનો રૂટ અને વ્યવસ્થા
અંતિમ સંસ્કાર માટેની યાત્રા પ્રકાશ સોસાયટીથી શરૂ થઈને રામનાથ પરા સ્મશાન સુધી જશે. આ અંતિમ યાત્રાનો રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે:
અંતિમ યાત્રાનો રૂટ:
પ્રકાશ સોસાયટી → નિર્મલા રોડ → કોટેચા ચોક → એસ્ટ્રોન ચોક → યાજ્ઞિક રોડ → ડી.એચ. કોલેજ → માલવીયા ચોક → કોર્પોરેશન ચોક → ધર્મેન્દ્ર રોડ → સાંગણવા ચોક → ભુપેન્દ્ર રોડ → રામનાથ પરા સ્મશાન
શહેરી અને પોલીસ તંત્ર સજ્જ
આ અંતિમ વિધિ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને લઈને શહેર પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર પણ સજ્જ બન્યું છે. પાર્થિવદેહના માર્ગ પર તમામ ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ ચોક પર પોલીસ બંદોબસ્ત તહેનાત કરાયો છે.