
Rajkot News: રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ, પ્રદુષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી. પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14મીથી 18મી ઓગષ્ટ 2025 સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેર કરી છે. ત્યારે આ વખતે રાઈડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર કરાયો નથી.
SOPને લઈને જિલ્લા કલેક્ટરે શું કહ્યું?
સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં કોઈ મોડી દુર્ઘટના ના ઘટે તે માટે તંત્ર દ્વારા કડક એસઓપી બનાવવામાં આવી છે. ત્યારે રાઈડ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવાની માંગ કરવામાં આવી છે. પરંતું એસઓપીને SOPને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, 'રાઈડ્સ અંગેની એસઓપીમાં કોઈ ફેરફાર નહીં થાય. એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. મને આશા છે કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે.'
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જન્માષ્ટમીના તહેવારોમાં યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે SOP જાહેર કરી હતી.
સ્ટોલ -પ્લોટ અરજી ફોર્મ શરૂ કરાશે
મેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલ -પ્લોટ માટેના ફોર્મ નવમી જૂનથી 13મી જૂન સુધીમાં મેળવી લેવાના રહેશે. આ ફોર્મ ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, નાયબ કલેક્ટર કચેરી પ્રાંત-1, જૂની કલેક્ટર કચેરી રાજકોટ ખાતેથી સવારે 11.00થી સાંજના 4.00 સુધી મેળવી લેવાના રહેશે. અરજીપત્રક માટેની ફી રૂ.200 નક્કી કરવામાં આવી છે. ફોર્મમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજીપત્રક રજૂ કરી શકાશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે.
બી કેટેગરીના સ્ટોલની હરાજી આ તારીખે
જ્યારે બી કેટેગરીના રમકડાંના 120 સ્ટોલ, કેટેગરી સીના ખાણીપીણીના 6 સ્ટોલની હરાજી 23 જૂનથી 11.00 કલાકે, જ્યારે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 12 પ્લોટની હરાજી 23 જૂનના રોજ સવારે 11.30 કલાકે રાખવામાં આવી છે. આ ઉપરાંત 24 જૂને ખાણીપીણી માટેના 2 પ્લોટ અને બી-1 કોર્નર ખાણીપીણીના 44 પ્લોટ માટે સવારે 11.30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જી કેટેગરીના 20 અને એચ કેટેગરીના 6 પ્લોટની હરાજી 25 જૂનના બુધવારે સવારે 11.30 કલાકે થશે. જ્યારે 26 જૂને ગુરુવારે કેટેગરી એક્સ આઈસક્રીમના 16 પ્લોટ અને કેટેગરી ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે સવારે 11.30 કલાકે હરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ,પ્લોટના ડ્રો અને હરાજી નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ-1 જૂની કલેક્ટર કચેરી કંપાઉન્ડ ખાતે યોજાશે.
ખાનગી મેળાના માલિકો અને રાઈડ્સ સંચાલકોએ SOPનો વિરોધ કર્યો
રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈને વિવાદ સર્જાયો છે. ખાનગી મેળાના માલિકો અને રાઈડ્સ સંચાલકોએ SOPનો વિરોધ કર્યો છે. જિલ્લા વહીવટી તંત્ર SOPનું કડક પાલન કરાવશે તો લોકમેળાના ફોર્મ જ ઉપાડવામાં નહીં આવે. SOP મુજબ ફાઉન્ડેશન ભરી રાઈડ્સ ફિટ કરવાના નિયમનું પાલન કરવું અશક્ય છે. રાજકોટમાં 8 જેટલા ખાનગી મેળા પણ 1 મહિના સુધી યોજાઈ છે. સુરત સહિત અન્ય શહેરોમાં ઉનાંળુ વેકેશન મેળા ચાલુ જ છે, જેમાં SOP અલગ અને રાજકોટve મેળામાં જ SOPનું કડક પાલન એ કેવો નિયમ ? રાઇડ્સ વિના ખાનગી મેળાઓ પણ નહિ કરીએ તેવી ચીમકી મેળાના માલિકો તથા રાઈડ્સ સંચાલકોએ ઉચ્ચારી છે.