કડી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ઉમેદવાર રમેશ ચાવડાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આ પરિણામ આંચકાજનક છે. આવું ના હોવું જોઈએ તેવું કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ કહ્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતાં કોંગ્રેસ ઉમેદવારે હાર સ્વીકારવા સાથે પરિણામ બાબતે હજુ પણ અસમંજસમાં છે. તેમણે કહ્યું કે, 4થી 5 રાઉન્ડ એવા થયા જ્યાં 2 હજાર મત મને મળ્યા અને 4 હજાર ભાજપને મળ્યા. એક બૂથ તો એવું છે જ્યાં 700 મત મને મળ્યા અને ભાજપને 7000 મત મળ્યા. આવું ના હોય. ક્યાંક ને ક્યાંક આંકડામાં ફર્ક પડવો જોઈએ. રાજેન્દ્રભાઈ ચાવડાની કામગીરી શું છે. તેઓએ શું કામ કર્યા છે.
રમેશ ચાવડાએ કહ્યું કે, હું 95થી નગરપાલિકામાં ચૂંટાઈને આવું છું. 3 વિધાનસભા લડ્યો છું. એમાં કોઈ એમ કહે કે રમેશભાઈ મારી પાસેથી 500 રૂપિયા લઈ ગયા તો હું રાજકારણ છોડી દઉં. મારું ફેમિલી બધું વિદેશમાં રહે છે તેમની પાસેથી ફંડ લઈને ચૂંટણી લડું છું. હું મારા ઘરના પૈસા લગાડીને ચૂંટણી લડું છું. કડી વિસ્તારનમાં નાનામાં નાના ગરીબ માણસોને હું મદદ કરું છું. મેં કરપ્શન કર્યું નથી. જમીની લેવલે લોકો મને ચાહે છે. આજનું પરિણામ એક અકસ્માત છે.