
પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
ઉદાલકે વિચાર કર્યો કે પુત્ર શ્વેતકેતુને વિદ્યાપ્રાપ્તિ અર્થે પાઠ ભણાવવા બહાર મોકલવો જોઈએ. પત્ની સાથે વાત કરીને શ્વેતકેતુને ગુરુકુળમાં ભણવા મોકલ્યો. વર્ષો પછી શ્વેતકેતુ વિદ્યા ભણીને ગુરુકુળથી ઘરે પરત આવી રહ્યો છે તેની જાણ થતાં ઉદાલક પુત્રનું આગમન કરવા બહાર ઊભો રહે છે, શ્વેતકેતુને દૂરથી આવતો જુએ છે. પુત્રની ચાલ જોતાં તેને આશ્ચર્ય થાય છે. શ્વેતકેતુ અક્કડ સાથે ચાલતો હતો. ઉદાલકને તેની અક્કડમાં અભિમાન દેખાયું. તેને વિચાર આવ્યો કે, વિદ્યા તો વિનયથી શોભે, પરંતુ અક્કડતામાં અહં આભિપ્રેત છે જેથી મારો પુત્ર પવિત્ર વિદ્યાને પચાવી શક્યો નથી તેનું તેને દુ:ખ થયું.
શ્વેતકેતુ ઘરના આંગણામાં પ્રવેશ્યો એ જ ક્ષણે ઉદાલકે પૂછયું, ''પુત્ર ભણીને આવી ગયો, સારું. મને જણાવ તો ખરો કે તું શું-શું ભણ્યો ?'' શ્વેતકેતુએ ઉત્સાહમાં આવી જઈને કહ્યું કે, ''પિતાજી, હું સર્વ વિદ્યાઓ ભણીને આવ્યો છું.'' ઉદાલક કહે, ''સારું, તેં કઈ કઈ વિદ્યાઓ ગ્રહણ કરી ?''
''નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ન્યાય, વેદો, ઉપનિષદો અને ષટ્દર્શન સહિત બધી જ વિદ્યાઓમાં હું પારંગત થયો છું, એટલું જ નહીં, મોટાભાગની પરીક્ષાઓમાં મને સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત થયા છે તે આપ જુઓ. વિદ્યા પ્રાપ્તિમાં મેં લગીરે કશુંય છોડયું નથી. કેટલાય મારાથી મોટા પંડિત ગુરુકુળવાસી છાત્રોને મેં શાસ્ત્રમાં હરાવી મહાત કર્યા છે. પિતાજી શું કહું તમને, હું વિદ્યાવાચસ્પતિ બની ગયો છું! ગુરુકુળના શિક્ષકો પણ મારી પ્રતીભાથી અંજાઈ ગયા છે'' શ્વેતકેતુ એકશ્વાસે બોલી ગયો. ઉદાલકે કહ્યું, ''તેં એકને જાણ્યો? શ્વેતકેતુ કહે, ''પિતાજી, એ એક કોણ ? મારા વિદ્યાભ્યાસના કાર્યકાળમાં, મારા સમગ્ર અભ્યાસક્રમમાં એ એકને જાણવું એવું કાંઈ જ હતું નહીં. હજી મને સમજ નથી પડતી કે એ એક કોણ છે ?'' પિતાજી કહે, ''એ તું પોતે જ, 'સ્વ' ને જાણવાની વાત. આપણી અંદર જે આત્મા વાસ કરી રહ્યો છે તે જાણવાની વાત. 'સ્વ' ને જાણ તો સર્વને જાણ્યા બરાબર છે. 'સ્વ' ને જાણીએ નહીં ત્યાં સુધી સર્વ સાધાના કે સર્વ વિદ્યા અધૂરી છે. મારા દાદાએ ;સ્વ' ને જાણ્યો, મારા પિતાએ 'સ્વ' ને જાણ્યો અને મેં પણ મારી વિદ્યાપ્રાપ્તિની શરૂઆત 'સ્વ' ને જાણવાથી જ કરી હતી. તારે પરત ગુરુકુળમાં જવું પડશે. 'સ્વ' ને જાણવો તે આપણા કુળની પરંપરા છે; માટે પુત્ર 'સ્વ' ને જાણ્યા પછી જ તારી વિદ્યાપ્રાપ્તિ પૂર્ણ થશે.''
શ્વેતકેતુએ નમ્રતાથી કહ્યું, ''હે પિતાજી, હું હમણાં જ ગુરુકુળમાં પરત ફરું છું અને 'સ્વ' ને જાણ્યા પછી જ પાછો આવીશ. ઉદાલકની પત્ની કહે, ''તમે કેવા પિતા છો ? વર્ષો પછી પુત્ર ઘરે આવે છે તો તેને જમવાનું કે વિશ્રામ કરવાનું કહેવાને બદલે પાછો મોકલો છો ?'' શ્વેતકેતુ માતાના ચરણસ્પર્શ કરીને કહે છે, ''માતા, મને 'સ્વ' ના દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપો. હું કુળ પરંપરા નિભાવીશ.''
ગુરુકુળમાં જઈને ગુરુજીને પ્રણામ કરી કહે છે કે, ''સ્વને જાણવો, માત્ર એ એકને જાણવા આવ્યો છું. મને આશીર્વાદ આપો.'' ગુરુએ શ્વેતકેતુને પચાસ ગાયો અને બે ધણખૂટ આપીને કહ્યું કે, ''જા, સો ગાય થાય ત્યારે - સો જીવ થાય ત્યારે પરત આવજે.''
શ્વેતકેતુ ગાયો ચારવા જંગલમાં જાય છે. ગાયો ચરે, તે જંગલમાં એકાંતમાં ધ્યાન-ચિંતન કરે, ગાયો ચરીને પરત ફરે તો તેની આંખોમાં નિહાળે, ગાયોને માતારૂપે સ્થાયી ગાયોની સેવા-સાર-સંભાળ કરે. ગૌમાતાની આંખોમાં કેટલાય સમય સુધી અનુસંધાન કરે, તે આંખોમાં કરુણાના દર્શન કરે, ગાયની આંખોની શૂન્યતા નિહાળતા શ્વેતકેતુ શૂન્ય થવા લાગ્યો, જાણે જ્ઞાનનો ભાર હળવો થવા લાગ્યો, ભરચક ચિતરામણવાળી પાટી કોરી થવા લાગી. ભીતરના જ્ઞાનનો અહંકાર નામશેષ થવા લાગ્યો. કેટલોક સમય વીત્યો. ગાયોની પ્રસૂતિ થવાથી જીવો વધવા લાગ્યા. શ્વેતકેતુએ તો અહંકારમુક્ત ભીતરના ઝળહળતા પ્રકાશના દર્શન માટેનો સમ્યક્ પુરુષાર્થ આદરી દીધો હતો. એક દિવસ ગુરુ પોતાના શિષ્યને મળવા આવે છે તો ગોપાલક ગોવાળના સ્વાંગમાં શ્વેતકેતુને જુએ છે. છાણ માત્રથી લથબથ કપડા, ગાયોની સેવામાં રત ગુરુ જુએ છે. જાણે ગૌમાતાની સેવા, વૈયાવચમાં તેના હૃદયના સ્પંદનો ધડકે છે. પગમાં કાંટા અને ઝાંખરા વાગવાથી લોહી ટપકે છે. જાણે તેના તરફ ધ્યાનથી મુખ પર સૌમ્ય ભાવો મંથરગતિ, ગજરાજ જેવી ધીમી ચાલ, મૃદુ અને ધીરગંભીર મીતભાષા!
ગુરુ કહે છે, ''શ્વેતકેતુ, ચાલ હવે પરત જવાનો સમય થઈ ગયો છે.'' શિષ્ય કહે, ''ગુરુ, ગાયોના પરિવારના જીવો તો ગણી લઈએ સો થઈ ગયા કે નહીં.'' મરમી ગુરુ કહે, ''તેની જરૂર નથી. તે એકને જાણી લીધો છે તેનું તને ભેદજ્ઞાન થયું છે. તું દેહાભ્યાસથી પર થઈ ગયો છે.'' શ્વેતકેતુએ ગુરુને ચરણસ્પર્શ કર્યાને સૌ ગાયોના ધણ સાથે આશ્રમ ભણી ચાલ્યા.