
કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે 15 જુલાઈ, 2025થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે એવી ચર્ચાઓ થઈ રહી હતી. જો કે, આ મુદ્દે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી પરંતુ સમાચાર વાયરલ થતાં કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ બાબતે ખુલાસો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કેટલાક મીડિયા હાઉસ દ્વારા ટુ વ્હિલર વ્હિકલ ઉપર ટોલ ટેક્સ લગાવવાના ખોટા સમાચારો ફેલાવાઈ રહ્યા છે. પરંતુ એવો કોઈ નિર્ણય રજૂ કરાયો નથી. ટુ વ્હિલર ઉપર સંપૂર્ણ રીતે છૂટ જારી રહેશે. ખોટી સત્યતા જાણ્યા વિના ખોટા સમાચારો ફેલાવવા પત્રકારિતાનું લક્ષણ નથી. હું આની નિંદા કરું છું.
https://twitter.com/nitin_gadkari/status/1938158967978397755
જણાવી દઈએ કે, હાલ દેશમાં તમામ હાઇવે પર ટુ-વ્હિલરને ટોલમાંથી મુક્તિ છે. તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહીવત છે. આ ઉપરાંત આ વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનો ખર્ચ પણ વધારે થાય એમ હતો. પરિણામે, ટુ-વ્હિલરને FASTag ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી. જો કે, હવે આ નિયમોમાં ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા હોવાની ખોટી વાતો ફેલાતા નીતિન ગડકરીએ ખુલાસો કરીને લોકોને રાહત આપી છે.
મિડિયામાં શું ફેલાઈ હતી અફવા?
15 જુલાઈ, 2025થી શું બદલાશે?
15 જુલાઈ, 2025થી, ટુ-વ્હિલરને હાઇવે એન્ટ્રી પોઇન્ટ્સ પર ટોલના દાયરામાં લવાશે.
સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેની તૈયારી ઘણાં સમયથી શરૂ થઈ ગઈ છે.
હવે ટુ-વ્હિલર માલિકોએ FASTag ખરીદવાની, બેંક ખાતા કે ડિજિટલ વૉલેટ સાથે લિંક તેમજ ટોલ ચૂકવણી માટે વાહન પર FASTag લગાવવું પડશે.
આ ફેરફાર કરવાનું કારણ શું છે?
ટુ-વ્હિલરને ટોલ સિસ્ટમમાં સામેલ કરવાના અનેક કારણ છે. જેમ કે,
એકસમાન નિયમ: ભારતમાં રસ્તા પર ટુ-વ્હિલરની સંખ્યા નોંધપાત્ર છે. રસ્તા સહિતની માળખાગત સુવિધાની જાળવણીમાં તેમનું યોગદાન પણ જરૂરી છે. જેથી ફોર વ્હિલર્સની જેમ ટુ વ્હિલર્સ માટે પણ સમાન નિયમ હોવો જોઈએ.
ડિજિટલ એકીકરણ: ટોલ કલેક્શનને સુવ્યવસ્થિત કરવા, ટોલ બૂથ પર ટ્રાફિક ઓછો કરવા તેમજ તમામ શ્રેણીના વાહનોમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
આવક: રસ્તા સહિતની માળખાગત સુવિધા વધતા સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે કે, રસ્તાનો ઉપયોગ કરનારા તમામ લોકો તેની જાળવણી માટે યોગદાન આપે.
નોંધનીય છે કે, આ રીતે સરકાર ટોલ ચૂકવણીનું મોડેલ સુધારી રહી છે. જેમ કે, FASTag એન્યુઅલ ટોલ પાસ અને એન્યુઅલ ટોલ પાસ (ATP), જે ચોક્કસ વાર્ષિક ફી સાથે નેશનલ હાઇવે પર અમર્યાદિત મુસાફરીની છૂટ આપશે. હાલ ખાનગી વાહન માલિકો માટે રૂ. 3,000 નક્કી કરાયા છે. જો કે આ યોજનાનું લક્ષ્ય શરૂઆતમાં ફોર વ્હિલર પર રહેશે. બાદમાં ટુ-વ્હિલર માટે પણ આવું કોઈ મોડલ લવાશે.
રોજિંદા મુસાફરો પર શું અસર થશે?
રોજિંદા અને લાંબા અંતરના મુસાફરોએ વધારાનો ખર્ચ કરવો પડશે.
FASTag જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફરજિયાત અપનાવવા પડશે.
ડિજિટલ સિસ્ટમ્સ અમલી થશે, તો ટોલ પ્લાઝા પર ભીડ ઘટી જશે.
ટોલ પ્લાઝા પર ટ્રાફિક નહીં હોય, તો ફ્યૂલ ખર્ચ પણ ઘટશે.
આ નિર્ણયને અનેક લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે જરૂરી માને છે, તો કેટલાકે રોજિંદા ટુ-વ્હિલર મુસાફરોને થતા વધારાના ખર્ચ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, આ મુદ્દે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શખે છે.