
26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ હાઈકોર્ટે 18 દિવસની NIA ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તપાસ એજન્સી આરોપી સાથે 2008ના હુમલા વિશે પૂછપરછ કરશે. પરંતુ આ પહેલો એવો આતંકવાદી નથી કે જેને વિદેશથી ભારત લાવવામાં આવ્યો હોય. આ પહેલા પણ આવા ઘણા ખૂંખાર ગુનેગારોને વિદેશથી ભારતમાં લાવવામાં આવ્યા છે.
પાકિસ્તાની મૂળનો કેનેડિયન તહવ્વુર રાણા
પાકિસ્તાની મૂળનો કેનેડિયન તહવ્વુર રાણા લાંબા સમયથી અમેરિકન જેલમાં હતો. તહવ્વુર રાણા 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે. આરોપીને અમેરિકાથી ભારત લાવવાનું ઓપરેશન જેટલું સંવદેનશીલ હતું, તેટલું મોંઘુ પણ હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તહવ્વુર રાણાને અમેરિકાના મિયામીથી ભારત લાવવા માટે એક લક્ઝરી ચાર્ટર પ્લેન Gulf Stream G-550 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પ્રતિ કલાકનો ખર્ચ આશરે 9 લાખ રૂપિયા છે.
અબુ સલેમને પોર્ટુગલથી લાવવામાં આવ્યો હતો
1993 માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 257 લોકો માર્યા ગયા હતા. જ્યારે લગભગ 1400 લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ મુંબઈના વિવિધ વિસ્તારોમાં થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા ગુનેગારોમાં અબુ સાલેમ પણ એક હતો. 1993 ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને બિલ્ડર પ્રદીપ જૈનની હત્યાના આરોપસર વર્ષ 2005માં અબુ સલેમને પોર્ટુગલથી લાવવામાં આવ્યો હતો. તેને 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાલમાં, તે નાસિક સેન્ટ્રલ જેલમાં બંધ છે.
છોટા રાજનને ઇન્ડોનેશિયાથી લાવવામાં આવ્યો હતો
છોટા રાજન એક સમયે દાઉદ ઇબ્રાહિમનો નજીકનો મિત્ર હતો. થોડા સમય પછી, દાઉદ ઇબ્રાહિમની જેમ, તે પોતે પણ એક કુખ્યાત અંડરવર્લ્ડ ડોન બની ગયો. છોટા રાજન વિરુદ્ધ ભારતમાં ઘણા કેસ નોંધાયા હતા. જેમાં હત્યાથી લઈને અપહરણ સુધીના જઘન્ય ગુનાઓનો સમાવેશ થતો હતો. વર્ષ 2015 માં, છોટા રાજનની સીબીઆઈ ટીમે ઇન્ડોનેશિયામાં ધરપકડ કરી હતી. ઇન્ટરપોલ દ્વારા છોટા રાજન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયામાં ધરપકડ બાદ, છોટા રાજનને ભારત લાવવામાં આવ્યો હતો.
આ દેશોમાંથી ગુનેગારોને પણ લાવવામાં આવ્યા છે
વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર વર્ષ 2015 સુધીમાં કુલ 60 ગુનેગારોને ભારત લાવવામાં આવ્યા છે. આમાં યુએઈ, નાઇજીરીયા, યુએસએ, હોંગકોંગ, કેનેડા, જર્મની, બલ્ગેરિયા, ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ, થાઇલેન્ડ, બેલ્જિયમ, મોરેશિયસ, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, મોરોક્કો, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશ જેવા દેશોના ગુનેગારોનો સમાવેશ થાય છે.