ગુજરાતમાં ઉનાળાની ઋતુ વચ્ચે કમોસમી વરસાદનો માહોલ યથાવત્ છે.ત્યારે અમરેલી જિલ્લાના વિવિધ પંથકમાં સોમવારે (12મી મે) પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના ઉનાળુ પાકને મોટા નુકસાનની ભીતિ છે.
વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો
સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં સોમવારે ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો, આ ઉપરાંત કાનાતળાવ, હાથસણી, ચરખડિયા, ખાંભા અને ધારી પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે તિવ્ર ગતિથી વરસાદ તુટી પડ્યો હતો. નોંધનીય છે કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સતત વરસાદી માહોલ ઉનાળુ પાક માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. ખેડૂતોને તેમના ઉનાળુ પાકમાં મોટા નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે (12મી મે 2025) રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટો છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ ગર્જના થવાની શક્યતા છે. પવનની ગતિ 40થી 50 કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે.
13 મે 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
14 મે 2025ના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.