
સુરતમાં આવેલા ખાડી પૂર બાદ મુદ્દો રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકમાં ભારે આક્રોશ છે ત્યારે ગઈકાલે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી હતી તેમાં ખાડી પુરનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ખાડી પુર મુદ્દે સિંચાઈ વિભાગની જવાબદારી છે તેવું કહીને અધિકારીઓની ઝાટકણી કાઢી હતી ત્યાર બાદ પણ સિંચાઈ વિભાગના ખાડી પૂર માટે પાલિકા પર જવાબદારી થોપવાનો પ્રયાસ કરી પાલિકાને નોટિસ આપી છે. આ નોટિસ બાદ ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારના નિર્ણયને પણ પરોક્ષ રીતે પડકાર્યો છે તેવું ચિત્ર ઉભુ થયું છે.
આક્ષેપ નોટિસ કરાઈ
ખાડી પૂરની જવાબદારીમાંથી છટકવા માટે સિંચાઈ વિભાગ દ્વારા સુરત પાલિકાને એક નોટિસ આપવામાં આવી છે જેમાં મોટા વરાછામાં એક પ્રોજેક્ટ છે જેમાં નદીનો કન્સ્ટ્રક્શન ઝોનમાં પાલિકાએ બાંધકામની મંજૂરી આપી હોવાનો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે તેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે. ડ્રેનેજ વિભાગ દ્વારા તાપી નદીની હદથી માર્કિંગ કરેલા 30 મીટરનો કન્સ્ટ્રક્શન ઝોનમાં ફાયનલ પ્લોટ ફાળવી બાંધકામની મંજૂરી આપવાનો આક્ષેપ નોટિસમાં કરવામા આવ્યો છે. ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર પેઠાણીએ જે નોટિસ આપી છે તેમાં સીધો સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
બાંધકામની મંજૂરી આપવાનો આક્ષેપ
સિંચાઈ વિભાગે જે નોટિસમાં પાલિકાએ નદીનાનો કન્સ્ટ્રક્શન ઝોનમાં પાલિકાએ બાંધકામની મંજૂરી આપી છે તેવું કહેવાયું છે. જોકે, મંજૂર ડેવલપમેન્ટ પ્લાન મુજબ સૂચિત નદીની બાઉન્ડ્રી બાદ 30 મીટરનો ટીપી રોડ અને ત્યારબાદ પણ મંજૂર વિકાસ પરવાનગી મુજબ, ડેવલપર દ્વારા નિયમ મુજબ રોડ તરફે 12 મીટરનું માર્જિન ફરજિયાત છોડવાનું રહે છે. એટલે કે, મંજૂર ડીપીમાં દર્શાવેલી નદીની બાઉન્ડ્રીથી પ્રોજેકટનું બાંધકામ 42 મીટર અંતરે થઇ રહ્ના છે. પરંતુ, ડ્રેનેજ વિભાગ દ્વારા તાપી નદીની હદથી માર્કિંગ કરેલી 30 મીટરનો કન્સ્ટ્રક્શન ઝોનમાં ફાયનલ પ્લોટ ફાળવી બાંધકામની મંજૂરી આપવાનો આક્ષેપ નોટિસ મારફતે કર્યો છે.
ગેરકાયદે બાંધકામ અટકાવવાની જવાબદારી
જોકે, ટીપી સ્કીમ નં.25 (મોટા વરાછા)ને સરકારે ફાયનલ સ્કીમ તરીકે મંજૂરી પણ આપી છે અને ડીપી 2035 મુજબ નદીની બાઉન્ડ્રીને પણ સરકારે જ મંજૂરી આપી છે. ઉપરાંત સરકાર દ્વારા નદીની બાઉન્ડ્રી પણ નક્કી કરી જાહેર કરવામાં આવી છે તે મુજબ સુરત પાલિકાએ પ્લાન પાસ કર્યા છે. સરકારે જે ટીપી સ્કીમ મંજુર કરી હોય અને નદીની બાઉન્ડ્રી સરકારે જ નક્કી કરી હોવા છતાં સિંચાઈ વિભાગે પાલિકાને જે નોટિસ આપી છે તેથી આડકતરી રીતે સિંચાઈ વિભાગ સરકારના નિર્ણયને પડકારી રહી હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ ઉપરાંત નદી અને ખાડીની માલિકી રાજ્ય સરકારની છે અને તેના પર કોઈ ગેરકાયદે બાંધકામ થાય તો તેને અટકાવવાની જવાબદારી પણ સરકાર એટલે સિંચાઈ વિભાગની જ બને છે.
પાટીલે સિંચાઈ વિભાગની ઝાટકણી કાઢી
બેઠકમાં ડ્રેનેજ વિભાગ દ્વારા ખાડી કિનારે માર્જિનના ભાગમાં થયેલ બાંધકામ બાબતે પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ખાડી અને નદીની માલિકી સરકારની હોવાથી ફરજિયાત કંટ્રોલ લાઇનથી માર્જિનની જગ્યામાં થતા કોઈપણ પ્રકારના બાંધકામ દૂર કરવાની જવાબદારી સિંચાઇ વિભાગની રહે છે. જો આ બાંધકામ દુર કરવામાં સિંચાઈ વિભાગ પાસે મશીનરી કે મેનપાવર ન હોય તો જિલ્લા વહિવટી તંત્ર કે સુરત પાલિકાની મદદ લઈ શકે છે. તેથી સરકારની માલિકીવાળી ખાડી કે નદીમાં જે દબાણ થાય છે તે દુર કરવા માટે સિંચાઈ વિભાગે જ કામગીરી કરવાની હોય છે તેથી જ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સિંચાઈ વિભાગની ઝાટકણી કાઢી હતી.