રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વડોદરા કલેકટર અને પાદરા ધારાસભ્યે સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. ઘટનાસ્થળની મુલાકાત બાદ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અહીં રેસ્ક્યુમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રીઓ આવ્યા નહોતા. આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે સસ્પેન્શનના પગલાં લઈ લીધા છે. હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે જે કાઢવાનો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યા છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે પેડેસ્ટીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ તૂટી ગયો છે. આ બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલોના ખબર અંતર પૂછવા મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તના હાલચાલ પૂછ્યા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ સાથે પણ સારવાર મુદ્દે વાતચીત કરી હતી. વડોદરામાં ચાર લોકોની સારવાર ચાલતી હતી તે પૈકી એકનું આજે સવારે મોત થયું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૨૦ લોકોના દુઃખદ અવસાન થયા છે.