
આજથી (20 જૂન), યુવા ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ ભારતની યુવા ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડ ગઈ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિ પછી ભારતીય ટીમની આ પહેલી ટેસ્ટ સિરીઝ છે. ભારતીય ટીમ 20 જૂનથી લીડ્સમાં પહેલી ટેસ્ટ મેચ રમશે. આ પહેલા, કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
'ટેસ્ટ સિરીઝ જીતવી એ IPL કરતાં મોટી વાત છે'
ભારતના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતવી એ IPL ટાઈટલ જીતવા કરતાં મોટી સિદ્ધિ છે.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવી કે IPL ટાઈટલ જીતવું કોને ઉપર રાખે છે, ત્યારે તેણે કહ્યું, "અલબત્ત, ટેસ્ટ સિરીઝ જીતવી. કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની તમને ઘણી તકો મથી મળતી. જો તમે તમારી પેઢીના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ છો, તો કદાચ બે કે ત્રણ પ્રવાસની તક મળશે. IPL દર વર્ષે થાય છે અને તમને દર વર્ષે તક મળે છે. મને લાગે છે કે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં જીતવું મોટી વાત છે."
'અમે ગમે ત્યાં જીતી શકીએ છીએ'
ગિલને ઈંગ્લેન્ડમાં રેસ બોલથી રમવાનો અનુભવ નથી, પરંતુ તે પડકારથી વિચલિત નથી થતો. તેણે કહ્યું, "ઘણા લોકો કહે છે કે તમારી ટીમ પાસે એટલો અનુભવ નથી, પરંતુ સારી વાત એ છે કે અમારા પર અપેક્ષાઓનો એટલો બોજ નહીં હોય કારણ કે મોટાભાગના ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં રમ્યા નથી. આનાથી ઘણો ફરક પડશે."
ગિલે આગળ કહ્યું, "છેલ્લા પાંચથી દસ વર્ષમાં અમારા સિનિયર પાસેથી અમને જે બ્લુપ્રિન્ટ મળી છે તે એ છે કે અમે ગમે ત્યાં જીતી શકીએ છીએ. અમે એ જ આત્મવિશ્વાસ સાથે રમવાનો પ્રયાસ કરીશું."
ચોથા નંબર પર રમશે શુભમન ગિલ
તેણે કહ્યું કે તે અને હેડ કોચ ગૌતમ ગંભીર માને છે કે કોહલીની નિવૃત્તિ પછી તેણે ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ. તેણે કહ્યું, "વિરાટ ભાઈએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ગૌતમ ગંભીર અને મેં તેના વિશે વાત કરી અને અમે બંને સંમત થયા કે મારે ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ."
કેપ્ટનશિપ ફોર્મ્યુલા વિશે જણાવ્યું
ગિલે એમ પણ કહ્યું કે તે ટીમમાં સુરક્ષાનું વાતાવરણ બનાવવા માંગે છે જેથી ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. તેણે કહ્યું, "જો અમે આ કરવામાં સફળ રહીએ, તો અમે ટેસ્ટ સિરીઝ અને WTC સાયકલમાં ખૂબ સફળ થઈશું. ખેલાડીઓ સાથે સ્પષ્ટ વાતચીત કરવાની જરૂર છે કે તમે તેમની પાસેથી શું ઈચ્છો છો. તેમને તેમની કુદરતી રમત બતાવવાની મંજૂરી આપવી જોઈએ."
IPLમાં રોહિત અને વિરાટ પાસેથી સલાહ લીધી
ગિલે એમ પણ કહ્યું કે IPL દરમિયાન, તેણે ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી માટે વિરાટ અને રોહિત પાસેથી સલાહ લીધી. તેણે કહ્યું, "હું IPL દરમિયાન બંનેને મળ્યો હતો અને તેઓએ મને તેમના અનુભવો વિશે જણાવ્યું. ખાસ કરીને અહીં ઈંગ્લેન્ડમાં. ભારતમાં અમે ઈંગ્લેન્ડ સામે રમેલી સિરીઝ (2024) મારી શ્રેષ્ઠ સિરીઝમાંથી એક હતી. તેમાં પણ, અમારા સિનિયર ખેલાડીઓ દરેક મેચમાં ઉપલબ્ધ નહતા."