
ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં રસ્તા પર સ્ટંટ કરતા અથવા બેદરકારીપૂર્ણ ડ્રાઈવિંગ કરતી વખતે રીલ બનાવવાનું ચલણ વધ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આવા લોકોને ફટકો આપતા મોટો ચૂકાદો સંભળાવ્યો છે. કોર્ટે એક કેસના ચૂકાદામાં જણાવ્યું કે, 'સ્ટંટ કરતા અથવા બેદરકારીપૂર્ણ રીતે વાહન ચલાવતા કોઈ વ્યક્તિનું મોત થાય તો તેના પરિવારને વળતર ચૂકવવા માટે વીમા કંપનીઓ બંધાયેલી નથી.' સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો માર્ગ સુરક્ષા અને વીમા ક્લેમના નિયર્મોના સંબંધમાં મહત્ત્વપૂર્ણ કાયદાકીય ઊદાહરણ પૂરું પાડે છે.
જાણો શું છે મામલો
એક વ્યક્તિનું બેફામ વાહન ચલાવવાને કારણે અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેના પરિવારે 80 લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો. 18મી જૂન 2014ના રોજ થયેલા એક માર્ગ અકસ્માત સાથે સંબંધિત છે, જ્યારે એક વ્યક્તિ તેની કાર ચલાવી રહ્યો હતો. તેના પિતા, બહેન અને ભત્રીજી પણ તેની સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં કારચાલકનું મૃત્યુ થયું. પરિવારે દાવો કર્યો હતો કે, ટાયર ફાટવાને કારણે કાર પલટી ગઈ હતી, પરંતુ પોલીસ તપાસ અને ચાર્જશીટમાં બહાર આવ્યું છે કે આ અકસ્માત તેની બેદરકારી અને ઓવરસ્પીડિંગના કારણે થયો હતો.
મૃતકની પત્ની, પુત્ર અને માતા-પિતાએ વીમા કંપની યુનાઇટેડ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ સામે 80 લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો. જેમાં મૃતકની માસિક આવક 3 લાખ રૂપિયા હતી અને તે પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતો. જોકે, મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે (MACT) આ દાવાને ફગાવી દીધો. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, 'મૃતક સેલ્ફ ટૉર્ટફીઝર હતો એટલે કે તે પોતાના મૃત્યુ માટે જવાબદાર હતો અને તેથી તેને પીડિત ન ગણી શકાય.'
કર્ણાટક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
કર્ણાટક હાઈકોર્ટે ટ્રિબ્યુનલના નિર્ણયને માન્ય રાખ્યો અને સુપ્રીમ કોર્ટના 2009ના કેસ નિંગમ્મા સામે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીનો ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'જો અકસ્માત મૃતકની પોતાની ભૂલને કારણે થયો હોય, તો વળતર આપી શકાતું નથી.' હવે સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને મંજૂરી આપી છે અને કહ્યું છે કે, 'મોટર વ્હીકલ એક્ટનો હેતુ નિર્દોષ પીડિતોને મદદ કરવાનો છે. પોતાના જીવને જોખમમાં મૂકનારા લોકોના પરિવારોને વળતર આપવાનો નથી.'