Home / Business : Gold Savings Scheme, Mutual Fund or Gold ETF, which is the best option to invest in?

Gold Savings Scheme, મ્યુચ્યુઅલ ફંડ કે પછી Gold ETF શેમાં રોકાણ કરવું છે શ્રેષ્ઠ વિકલ્પ

Gold Savings Scheme, મ્યુચ્યુઅલ ફંડ કે પછી Gold ETF શેમાં રોકાણ કરવું છે શ્રેષ્ઠ વિકલ્પ
સોનાની ચમક હંમેશા બધાને આકર્ષિત કરતી આવી છે. હાલમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1 લાખની આસપાસ પહોંચી ગયો છે. જોકે, હાલમાં તેની કિંમત ઓલ-ટાઈમ હાઈથી થોડી ઘટી છે. આવા સમયે લોકો વિચારમાં પડી ગયા છે કે સોનામાં રોકાણ કરવું કે નહિ, અને કરવું તો કેવી રીતે? કેટલાક લોકો સીધા ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહ્યા છે, તો કેટલાક દર મહિને થોડું-થોડું રોકાણ કરીને સોના તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન એક રીત ખૂબ લોકપ્રિય થઈ રહી છે - જ્વેલર્સની ગોલ્ડ સેવિંગ સ્કીમ્સ.
 
નામથી આ સ્કીમ્સ મ્યુચ્યુઅલ ફંડ SIP જેવી લાગે છે, પણ વાસ્તવમાં તે થોડી અલગ છે. શું આ તમારા માટે યોગ્ય વિકલ્પ છે? અથવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ ETFમાં SIP કરવું વધુ સમજદારીભર્યું છે? ચાલો જાણીએ જેથી તમે નક્કી કરી શકો કે તમારા માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે.
 
ગોલ્ડ સેવિંગ સ્કીમ્સના કેટલાક ઉદાહરણો
ધારો કે તમે દર મહિને ₹10,000 કોઈ જ્વેલરની 10 મહિનાની ગોલ્ડ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા માગો છો. જુદા-જુદા જ્વેલર્સની સ્કીમ્સમાં થોડો ફેરફાર હોઈ શકે છે, પરંતુ અહીં અમે બે સૌથી સામાન્ય પ્રકારો દ્વારા સમજાવ્યું છે.
 
પ્રકાર 1: SIP જેવું મોડેલ
આ પ્રકારમાં દર મહિને તમે આપેલી રકમથી જેટલું સોનું ખરીદી શકાય, તે તમારા નામે જમા કરવામાં આવે છે. જેમ મ્યુચ્યુઅલ ફંડ SIPમાં યુનિટ્સ જમા થાય છે. દાખલા તરીકે, દર મહિને ₹10,000 જમા કરવાથી, તે દિવસના દરે જેટલું સોનું આવે, તે તમારા ખાતામાં જમા થઈ જાય છે. 10મા હપ્તા પછી, તમે કુલ જમા થયેલા સોનાની કિંમતના હિસાબે ઘરેણાં ખરીદી શકો છો. કેટલાક જ્વેલર્સ આ સ્કીમ લેવા પર મેકિંગ ચાર્જમાં 50% કે તેથી વધુ ડિસ્કાઉન્ટ પણ આપે છે. જોકે, સોના પર 3% GST તમારે જ ચૂકવવાનો રહેશે.
 
પ્રકાર 2: બોનસ હપ્તા સાથેનું મોડેલ
આ પ્રકારમાં તમારે દર મહિને ₹10,000 જમા કરવાના હોય છે. પણ તમને દર મહિને સોનું આપવામાં આવતું નથી. જ્યારે તમે 10 મહિના પૂરા કરો, ત્યારે 11મા મહિને જ્વેલર વધારાના ₹10,000 જમા કરે છે. એટલે કે તમે ₹1 લાખ જમા કર્યા, પણ હવે તમારી પાસે ₹1.1 લાખના ઘરેણાં ખરીદવાની ક્ષમતા છે. આ પ્રકારમાં મેકિંગ ચાર્જમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી.
 
ગોલ્ડ સેવિંગ સ્કીમ ક્યારે ફાયદાકારક છે?
જો તમે પહેલેથી નક્કી કરી લીધું હોય કે 10-12 મહિના પછી સોનું/ઘરેણાં ખરીદવાનું છે, તો આ સ્કીમ તમારા માટે યોગ્ય હોઈ શકે છે. જે લોકો દર વર્ષે ધનતેરસ, અક્ષય તૃતીયા જેવા પ્રસંગો પર નવા ઘરેણાં ખરીદે છે, તેમના માટે પણ આ સ્કીમ ઉપયોગી થઈ શકે છે. જો તમને ઘરમાં ફિઝિકલ સોનું રાખવું ગમતું હોય, તો પણ આ એક રીત છે.
 
આ સ્કીમ્સની મર્યાદાઓ
આ સ્કીમમાંથી તમે ફક્ત ઘરેણાં/સોનાના સિક્કા જ ખરીદી શકો છો. રોકડ પાછી મેળવી શકતા નથી. જો વચ્ચે તમારું આયોજન બદલાઈ જાય, તો પૈસા અટવાઈ શકે છે. આ સ્કીમ્સ સરકાર દ્વારા નિયંત્રિત નથી. એટલે કે જો જ્વેલર ભાગી જાય કે દુકાન બંધ કરે, તો તમારું નુકસાન થઈ શકે છે. આખી સ્કીમ તમારા અને જ્વેલર વચ્ચેના વિશ્વાસ પર ચાલે છે.
 
હવે ગોલ્ડ સેવિંગ સ્કીમ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ ETF વિષે જાણીએ. 
 
ગોલ્ડ સેવિંગ સ્કીમ (Gold Savings Plan)
  • ઉપયોગ : જમા કરેલા પૈસા ફક્ત સોનાના ઘરેણાં અથવા ક્યારેક સોનાના સિક્કા ખરીદવા માટે જ વાપરી શકાય છે. રોકડમાં મળતા નથી.
  • જોખમ : આ સ્કીમ સરકાર કે SEBIના નિયમન હેઠળ નથી. વિશ્વાસ ફક્ત જ્વેલર પર હોય છે. જો જ્વેલર દુકાન બંધ કરે કે છેતરપિંડી કરે, તો નુકસાન થઈ શકે છે.
  • લિક્વિડિટી : વચ્ચે પૈસાની જરૂર પડે તો તેને રોકડમાં બદલી શકાતા નથી. પૈસા અટવાઈ શકે છે.
  • વળતર : સામાન્ય રીતે મેકિંગ ચાર્જમાં ડિસ્કાઉન્ટ અથવા છેલ્લા મહિનાનો હપ્તો બોનસ તરીકે મળે છે. પણ આ નિશ્ચિત હોય છે, બજાર સાથે જોડાયેલું નથી.
  • જરૂરી દસ્તાવેજો : આધાર કાર્ડ જરૂરી છે, કેટલાક કિસ્સામાં પાન કાર્ડ પણ માંગવામાં આવે છે.
  • રોકાણનો સમયગાળો : સ્કીમનો સમયગાળો નિશ્ચિત હોય છે, સામાન્ય રીતે 10થી 12 મહિના.
  • GST: ઘરેણાં ખરીદતી વખતે 3% GST ચૂકવવો પડે છે.
  • સંગ્રહ : ખરીદેલા ઘરેણાંને ઘરે કે બેંક લોકરમાં સંભાળીને રાખવા પડે છે.
  • માલિકી : તમે ઘરેણાંના સીધા માલિક હો છો.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ ETF 
  • ઉપયોગ : આમાંથી મળેલા પૈસાનો તમે કોઈપણ કામમાં ઉપયોગ કરી શકો છો, ભલે સોનું ખરીદો કે બીજું કંઈ.
  • જોખમ : આ સ્કીમ્સ SEBI દ્વારા નિયંત્રિત હોય છે, તેથી સલામત માનવામાં આવે છે.
  • લિક્વિડિટી : તમે કોઈપણ સમયે યુનિટ્સ વેચી શકો છો અને તરત રોકડ મેળવી શકો છો.
  • વળતર : વળતર બજાર અને સોનાની કિંમતો પર આધાર રાખે છે. જો સોનાના ભાવ વધે તો નફો પણ સારો થઈ શકે છે.
  • જરૂરી દસ્તાવેજો : આધાર, પાન અને ETF ખરીદવા માટે ડીમેટ ખાતું જરૂરી છે.
  • રોકાણનો સમયગાળો : કોઈ નિશ્ચિત અવધિ નથી, જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી રોકાણ ચાલુ રાખી શકો છો.
  • GST: યુનિટ્સ વેચતી વખતે GST લાગતું નથી. નફો ટેક્સેબલ હોય છે.
  • સંગ્રહ : કોઈ ફિઝિકલ સંગ્રહ નથી, બધું ડિજિટલ હોય છે.
  • માલિકી: તમે સોનાને સીધું નહીં, પરોક્ષ રીતે શેરના યુનિટ્સના રૂપમાં ધરાવો છો.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ ETFમાં SIP - કયો વિકલપછે બેસ્ટ 
જ્યારે વાત સલામતી અને લિક્વિડિટીની આવે, તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ ETFમાં SIP કરવું ગોલ્ડ સેવિંગ સ્કીમ્સની તુલનામાં વધુ સારું માનવામાં આવે છે. SIPની સુવિધા ફક્ત ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં મળે છે. ગોલ્ડ ETFમાં SIP નથી હોતું, કારણ કે તે સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થાય છે. જોકે, કેટલાક બ્રોકરેજ પ્લેટફોર્મ એવી સુવિધા આપે છે જેનાથી તમે દર મહિને ઓટોમેટિક ETF ખરીદી શકો છો — એટલે કે SIP જેવી સિસ્ટમ બનાવી શકાય છે.
 
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ ETFમાં શું તફાવત છે?
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં ફક્ત સોનું જ નહીં, પણ સોના સાથે જોડાયેલી કંપનીઓમાં પણ રોકાણ થાય છે. ગોલ્ડ ETFમાં સીધું ફિઝિકલ સોનું, ગોલ્ડ બુલિયન અથવા ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ હોય છે. ETF ઓછું ખર્ચાળ હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં થોડો વધુ ખર્ચ લાગે છે. બંનેમાં તમે કોઈપણ સમયે રોકાણ વેચી શકો છો. ETF તરત વેચાઈ જાય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડના પૈસા 1-2 દિવસમાં આવે છે.
 
જો તમે લાંબા ગાળાની સલામતી અને લિક્વિડિટી ઈચ્છો છો, તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ કે ETF વધુ સારા વિકલ્પો છે. પરંતુ જો તમારું આયોજન નિશ્ચિત સમયે ઘરેણાં ખરીદવાનું છે, તો ગોલ્ડ સેવિંગ સ્કીમ પણ તમારા કામ આવી શકે છે. જોકે, આ માટે તમે વિશ્વસનીય જ્વેલર પસંદ કરો.
Related News

Icon