
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ આઈપીએલ 2025ની મેચો માટે નિર્ધારિત સમયને એક કલાક માટે વધારવાનો નિર્ણય કર્યો છે. મંગળવાર 20 મેથી દરેક આઈપીએલ મેચોમાં 120 મિનિટની વધારોનો વેટિંગ પીરિયડ હશે. પહેલા આ સમયગાળો માત્ર એક કલાકનો હતો.
BCCI એ પ્લેઈંગ કંડિશનમાં ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરી દીધો છે. આ નિર્ણય પછી 5 ઓવરની મેચ માટે કટઓફ સમય ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યાને બદલે 11.30 વાગ્યાનો રહેશે. બપોરની મેચનો કટઓફ સમય ભારતીય સમય મુજબ સાંજે 6.50 વાગ્યાથી બદલીને 7.56 વાગ્યા કરવામાં આવ્યો છે.
મેચ શરૂ થવા માટે 120 મિનિટનો વધારાનો સમય
ક્રિકબઝના કહેવા પ્રમાણે બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓને મોકલેલી એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, 'પહેલા રમવાની શરતોમાં એવી શરત હતી કે લીગ મેચોમાં વિલંબ થવાના કિસ્સામાં મેચ શરૂ કરવા માટે 60 મિનિટનો વધારાનો સમય હતો. પ્લેઓફ મેચોમાં આ સમય વધારીને 120 મિનિટ કરવામાં આવ્યો હતો. હાલમાં વરસાદના ભય અને સુધારેલા સમયપત્રકને ધ્યાનમાં રાખીને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે નિર્ણય લીધો છે કે, 20 મે 2025થી તમામ આઈપીએલ મેચો મેચ શરૂ કરવા માટે 120 મિનિટનો વધારાનો સમય રહેશે.'
ચોમાસાને કારણે લેવાયો નિર્ણય
રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'તમે જાણો છો કે, આઈપીએલ ટૂંકા વિરામ પછી ફરી શરૂ થઈ છે. આ વિરામને કારણે IPL 3 જૂન, 2025 ના રોજ સમાપ્ત થશે. ચોમાસાના વહેલા આગમન અને IPLના લાંબા સમયગાળાને કારણે વરસાદથી ઘણી મેચોને અસરનું જોખમ છે. જેના કારણે IPL ગવર્નિંગ કાઉન્સિલે રમવાની પરિસ્થિતિઓમાં ફેરફાર કર્યો છે.' નોંધનીય છે કે, આ નિયમ માત્ર IPL 2025 સુધી જ રહેશે.