
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની પહેલી જ મેચમાં ભારતના વાઈસ કેપ્ટન રિષભ પંતે બંને ઈનિંગ્સમાં સદી ફટકારી છે. જોકે દુનિયાના ઘણા બેટ્સમેને આ કામ કર્યું છે, તો તેમાં નવું શું છે? પરંતુ રિષભ પંતે જે કર્યું છે તે અનોખું છે. જેમ તેની બેટિંગ વિચિત્ર છે, તેમ તેના રેકોર્ડ પણ એવા જ છે. તો ચાલો તમને જણાવીએ કે પંતે હવે શું કર્યું છે.
ઘરની બહાર એક જ ટેસ્ટની બંને ઈનિંગમાં સદી ફટકારી
રિષભ પંત હવે દુનિયાનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે જેણે ઘરની બહાર રમતી વખતે કોઈપણ દેશ સામે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી છે. આજ સુધી દુનિયાનો કોઈ વિકેટકીપર ટેસ્ટમાં આવી સિદ્ધિ નથી મેળવી શક્યો. આ તો ઘરની બહારની વાત છે, પરંતુ અત્યાર સુધી ઘરે પણ ફક્ત એક જ વાર બન્યું છે. 2001માં, ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે પહેલી ઈનિંગમાં 142 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તેણે અણનમ 199 રન બનાવ્યા હતા.
પહેલા રાહુલ અને પછી પંતે પોતાની સદી પૂરી કરી હતી
હવે રિષભ પંત વિકેટકીપર તરીકે રમતી વખતે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. રિષભ પંત પહેલા કેએલ રાહુલે પણ બીજી ઈનિંગમાં પોતાની સદી પૂરી કરી હતી. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 364 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં 6 રનની લીડના આધારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને 371 રનનો ટાર્ગેટ આપ્યો છે, જેમાંથી ચોથા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે એક પણ વિકેટના નુકસાન વગર 21 રન બનાવ્યા છે. હવે ,એચ જીતવા માટે ઈંગ્લેન્ડને 350 રના અને ભારતને 10 વિકેટની જરૂર છે
2022માં મેચમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી
2022માં જ્યારે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે આવી હતી, ત્યારે પંતે બર્મિંગહામમાં રમાયેલી ટેસ્ટની એક ઈનિંગમાં સદી ફટકારી હતી, જ્યારે બીજી ઈનિંગમાં તેણે અડધી સદી ફટકારી હતી. તે SENA દેશોમાં એશિયામાંથી વિકેટકીપર તરીકે આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અહીં SENA દેશોનો અર્થ સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા થાય છે. પંતે આ કામ 2022માં કર્યું હતું, પરંતુ ત્રણ વર્ષ પછી, હવે ફરી ઈંગ્લેન્ડના પ્રવાસ પર, પંતે તેનાથી પણ મોટું કામ કર્યું છે. જે એક વિશ્વ રેકોર્ડ છે.
ફરી એકવાર ઈંગ્લેન્ડમાં કરી કમાલ
રિષભ પંતે લીડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 134 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન પંતે 178 બોલનો સામનો કર્યો હતો. આ ઈનિંગ દરમિયાન, તેણે 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ પછી પણ, તેની રનની ભૂખ ઓછી નહતી થઈ અને તેણે બીજી ઈનિંગમાં પણ ઘણા રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં, પંતે 130 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. આ દરમિયાન તેના બેટમાંથી 13 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. આ રીતે, પંત ફરી એકવાર ઈગ્લેન્ડમાં છવાઈ ગયો છે.