
પાકિસ્તાનની કરાચી જિલ્લા જેલ માહિરમાંથી 216 કેદીઓ ભાગી ગયા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ અને જેલ અધિકારીઓએ જણાવ્યુ કે શહેરમાં સામાન્ય ભૂકંપના ઝટકાને કારણે અફરાતફરી વચ્ચે કેદીઓ ભાગી ગયા હતા. કેદીઓમાંથી કેટલાક પહેલા જ પોતાની બેરેકની બહાર હતા અને તેમને આ અફરાતફરીનો ફાયદો ઉઠાવ્યો હતો અને જેલના કર્મચારીઓ પર દબાણ બનાવ્યું હતું.
જેલમાંથી 216 કેદી ભાગવામાં સફળ રહ્યા
જોકે,આ 216 કેદીમાંથી એકનું મોત થયું હતું જ્યારે 80 કેદીઓને પકડવામાં આવ્યા હતા. આ દરમિયાન પાંચ સુરક્ષા કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા.
હાઇવે અને ગામને સીલ કરવામાં આવ્યું
જેલ પરિસરની અંદર અને આસપાસ ફાયરિંગ થયું હતું જે બાદ આસપાસના રહેણાક વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ અને રેન્જર્સ દ્વારા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને કેટલાક રોડને અસ્થાઇ રીતે બંધ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, SSP મલિક કાશિફ આફતાબ અબ્બાસીએ જણાવ્યુ કે, 'પોલીસ અને અર્ધસૈનિક દળોની એક ટુકડી કેટલીક મિનિટમાં જ જેલમાં પહોંચી ગઇ હતી અને આસપાસની વસ્તી, રાજમાર્ગ અને ગામને સીલ કરવામાં આવ્યા હતા. માલિરમાં મસ્જિદોમાં એલાન કરવામાં આવ્યું હતું કે જેલમાંથી ભાગેલા કેદીઓને પકડવામાં જનતા મદદ કરે.'
રિપોર્ટ અનુસાર, ભૂકંપ આવવા પર સર્કલ નંબર 4 અને 5ના 600થી વધુ કેદી જેલની આંતરિક પ્રક્રિયાને કારણે પોતાની બેરેકની બહાર બેઠા હતા. તે બાદ અફરા તફરીને કારણે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ હતી.
કેદીઓને કંટ્રોલ કરવાના પ્રયાસમાં જેલ અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું. અથડામણ દરમિયાન ફ્રંટિયર કોર (FC)ના બે કર્મી સહિત પાંચ સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. એક કેદીનું મોત થયું હતું જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.